• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

સીંગતેલ ઊંચા મથાળે સ્થિર, વૉશમાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 :  ખાદ્યતેલ બજારમાં સીંગતેલ ઉંચા મથાળે સ્થિર હતું. જ્યારે અન્ય તેલમાં ઘટાડો હતો. મલેશિયામાં જાહેર રજા હોવાથી વાયદા બજાર બંધ હતી. જોકે ભારતમાં તેલની આયાત ડયુટી ઘટાડવાની ચર્ચાએ જોર પકડતા સાઈડ તેલ સતત ઘટી રહ્યા છે. મુંબઈમાં તા.29 સપ્ટેમ્બરથી 1 ઓકટોબર દરમિયાન ખાદ્યતેલ, તેલીબિયા અને સંલગ્ન કૃષિ કોમોડિટીઝ માટે ગ્લોબલ ઈન્ડિયા કોન્ફરન્સ યોજાવાની છે. આ ત્રીદિવસીય કોન્ફરન્સમાં વેપારીઓ, પ્રોસેસર્સ, તેલ આયાતકારો અને રિફાઈનરો ઉપસ્થિત રહેશે. જેમાં વેપાર, કિંમત નિર્ધારણ, ટકાઉપણું સહિતની ચર્ચા કરવામાં આવશે. 

સ્થાનિક બજારમાં આયાતી તેલના ભાવમાં ઘટાડો હતો. કંડલા બંદરે પામતેલ હાજરનો ભાવ રૂ. 10 ઘટી જતા રૂ. 1455 બોલાતો હતો. જ્યારે સોયાતેલનો ભાવ રૂ. 3 ઘટીને રૂ. 1412-1415 હતો. સીંગતેલ બજાર ઉંચા મથાળે સ્થિર હતી. સૌરાષ્ટ્રમાં લૂઝનો ભાવ રૂ. 1775 બોલાતો હતો. વરસાદ ચાલુ રહે તો કાચા માલની અછત થાય તો વધુ તેજી થઈ શકે તેમ જાણકારો કહી રહ્યા છે. લૂઝમાં મિલો દ્વારા આશરે 10-12 ટેન્કરના કામકાજ હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2727-2728 હતો. સીંગખોળના રૂ. 39500 હતા. જ્યારે પાપડી ખોળના રૂ. 46500 હતા. કપાસિયા વોશમાં આગલા દિવસથી વધુ રૂ. 10 તૂટયા હતા. વોશનો ભાવ રૂ. 1585-1590 બોલાતો હતો. વોશમાં લેવાલી સાવ ઠંડી હોવાથી માંડ એક-બે ટેન્કરની ખપત હતી.