• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

જાડેજા-ગાયકવાડની વાપસી : નમન ધીરને પહેલી તક

વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે અને ટી20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનું એલાન 

નવી દિલ્હી, તા. 16 : ભારત દ્વારા વેસ્ટ ઈન્ડિઝ સામે થનારી ત્રણ મેચની વનડે શ્રેણી અને પાંચ મેચની ટી20 શ્રેણી માટે ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે.  ત્રણ વનડે માટે શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે અને કેએલ રાહુલ ઉપકેપ્ટન બનાવાયો છે. જ્યારે ટી20ની આગેવાની શ્રેયસ અય્યર કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વનડેમાં એક્શનમાં જોવા મળશે. ટીમમાં રવીન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. જ્યારે નમન ધીરને પહેલી વખત તક મળી છે. વનડે ટીમમાં ઋતુરાજ ગાયકવાડની વાપસી થઈ છે. 

જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડ પ્રવાસે વનડે ટીમમાં રવીન્દ્ર જાડેજાને જગ્યા મળી નહોતી, હવે વિન્ડિઝ સામેની શ્રેણીમાં જાડેજાની વાપસી થઈ છે. બીજી તરફ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વનડે અને ટી20 ટીમથી આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત  હાર્દિક પંડયા અને ઋષભ પંતને પણ ટીમમાં જગ્યા મળી નથી. જ્યારે વૈભવ સુર્યવંશીને ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. 

નમન ધીરને પહેલી વખત ભારતીય વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. નમન મધ્ય ક્રમમાં બેટિંગની સાથે સ્પિન બોલિંગ પણ કરી શકે છે. આ ઉપરાંત વનડે ટીમમાં જમ્મુ કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબીનું પણ નામ સામેલ છે. ટી20 શ્રેણીની વાત કરવામાં આવે તો મયંક યાદવને જગ્યા મળી છે. જ્યારે વરુણ ચક્રવર્તી કે હર્ષિત રાણાનું નામ સામેલ નથી.  બીસીસીઆઈ દ્વારા ઈરાની ટ્રોફી માટે પણ ટીમ ઘોષિત કરવામાં આવી હતી. જેમાં ઋષભ પંતને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. 

ટી20 : શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સુર્યવંશી, ઈશાન કિશન, સંજૂ સેમસન, તિલક વર્મા (ઉપકેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.

વનડે ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (ઉપકેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતીશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જયસ્વાલ, નમન ધીર.