• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

સોનાના હોલમાર્કિંગ ચાર્જમાં 67 ટકાનો વધારો અયોગ્ય : જીજેસી

કાઉન્સિલે તાત્કાલિક સમીક્ષા અને જૂના દર જાળવી રાખવાની માગ કરી

મુંબઈ, તા. 16 : બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) દ્વારા 14 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા સુધારા નિયમો હેઠળ માન્યતા પ્રાપ્ત એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર્સ માટે સોનાના દાગીના પરનો હોલમાર્કિંગ ચાર્જ પ્રતિ નંગ રૂ. 45થી વધારીને રૂ. 75 કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ એક જ ઝાટકે લાદવામાં આવેલા આ આશરે 67 ટકાના વધારા સામે તીવ્ર ચિંતા વ્યક્ત કરી છે અને હિતધારકો સાથે યોગ્ય પરામર્શ ન થાય ત્યાં સુધી આ નિર્ણય મોકૂફ રાખી રૂ. 45નો વર્તમાન દર યથાવત રાખવા સરકાર તથા બીઆઈએસને તાકીદ કરી છે. સરકારી ડેટા અનુસાર, 1 જુલાઈ 2021થી 5 માર્ચ 2026 વચ્ચે દેશમાં 60 કરોડથી વધુ દાગીના એચયુઆઈડી સાથે હોલમાર્ક થયા છે અને આ વ્યવસ્થા 380 જિલ્લાઓમાં વિસ્તરી છે.

જીજેસી અનુસાર, વોલ્યુમ વધવાથી કાર્યક્ષમતા વધવી જોઈએ, જ્યારે રૂ. 75નો સમાન દર વજન ધ્યાનમાં લીધા વગર વસૂલાતો હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગ દ્વારા ખરીદાતા હળવા વજનના (લાઇટવેઇટ) દાગીના પર આ બોજ અપ્રમાણસર પડશે. જીજેસીના ચૅરમેન રાજેશ રોકડેએ જણાવ્યું કે, જીજેસી અને જ્વેલરી ઉદ્યોગે શુદ્ધતાની ખાતરી અને ગ્રાહક વિશ્વાસ માટે હોલમાર્કિંગને સતત સમર્થન આપ્યું છે. પરંતુ સમર્થનનો અર્થ એ નથી કે ફરજિયાત અનુપાલનના ખર્ચમાં લગભગ 67 ટકાનો વધારો કોઈ પણ ચકાસણી વગર સ્વીકારી લેવાય. હોલમાર્કિંગનું વોલ્યુમ મોટા પાયે વધ્યું છે, તેથી ઉદ્યોગને એ સમજવાનો અધિકાર છે કે આ તબક્કે પ્રતિ આર્ટિકલ ચાર્જ રૂ. 45થી વધારીને રૂ. 75 શા માટે કરવો પડે છે. તેમણે ઉમેર્યું કે, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, આસામ અને અન્ય સ્થળોએ બીઆઈએસની કાર્યવાહી દર્શાવે છે કે નકલી હોલમાર્કિંગ, બિનઅધિકૃત સંચાલન અને બિન-અનુપાલન હજુ પણ ગંભીર ચિંતાઓ છે. નિયમપાલન કરતા જ્વેલર્સ પર બોજ વધારતાં પહેલાં આ ગેરરીતિઓ દૂર કરવી અને અમલીકરણ વધુ કડક બનાવવું એ પ્રાથમિકતા હોવી જોઈએ. માત્ર સત્તાવાર ફી વધારવાથી હોલમાર્કિંગ ઇકોસિસ્ટમ મજબૂત નહીં બને. 

વાઇસ ચૅરમેન અવિનાશ ગુપ્તાએ કહ્યું કે, અનુપાલન વ્યાપારી દ્રષ્ટિએ ટકાઉ રહેવું જોઈએ. જો કાયદેસરનો માર્ગ ઉત્તરોત્તર વધુ મોંઘો બનતો જાય અને બિનઅધિકૃત ચેનલો ચાલુ રહે, તો બંને વચ્ચેનું અંતર વધશે. આ સરકાર, ઉદ્યોગ કે ગ્રાહક કોઈના હિતમાં નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, વોલ્યુમ મેળવવાની સ્પર્ધામાં આક્રમક ડિસ્કાઉન્ટિગ અને વ્યાપારી પ્રલોભનો અંગે પણ ઉદ્યોગમાં ચિંતા છે. જો બજારમાં રૂ. 45નો દર જ સમાન રીતે વસૂલાતો ન હોય, તો આવું કેમ બને છે અને વર્તમાન આર્થિક મોડલમાં સુધારાની જરૂર છે કે નહીં તે પ્રથમ પ્રશ્ન હોવો જોઈએ. વાસ્તવિક બજાર પ્રથાઓ તપાસ્યા વિના માત્ર રૂ. 75 નક્કી કરવાથી મૂળ સમસ્યા ઉકેલાશે નહીં. જીજેસીએ સેન્ટર્સના વાસ્તવિક ખર્ચનો પારદર્શક અભ્યાસ કરવા, નકલી હોલમાર્કિંગ સામે કડક દેખરેખ રાખવા અને હળવા દાગીના માટે તર્કસંગત વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી છે.