અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16
: વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો અટકી
જતા પ્રત્યાઘાતી સુધારો નોંધાયો હતો. ડોલર નબળો પડતા અને ક્રૂડના ભાવમાં ઘટાડો થવાને
કારણે સોનામાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. જ્યારે રોકાણકારો વધુ સંકેતો માટે
વ્યાજદર અંગે ફેડરલ રિઝર્વના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો
ભાવ ઔંસદીઠ 1.3 ટકા વધીને 4350 ડોલરની સપાટીએ ચાલી રહ્યો હતો. જ્યારે ચાંદી 1.20 ટકા
ઉંચકાઈને 64.76 ડોલર હતી.
રાજકોટની ઝવેરી બજારમાં
24 કેરેટ શુધ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામદીઠ રૂ. 1200 વધીને રૂ. 1,50,500 અને મુંબઈમાં
રૂ. 1460 ઉંચકાઈને રૂ. 1,52,362 હતો. ચાંદીમાં રાજકોટમાં એક કિલોએ રૂ. 3400ના ઉછાળામાં
રૂ. 2,30,000 અને મુંબઈમાં રૂ. 2596 વધીને રૂ. 2,31,337 હતી.
ક્રૂડતેલના ભાવમાં બે દિવસના ઉછાળા બાદ બુધવારે નરમાઈ જોવા મળી હતી. જ્યારે ડોલર નબળો પડતા અન્ય ચલણધારકો માટે સોનું સસ્તું બન્યું હતું. વરિષ્ઠ વિશ્લેષક નિકોસ ઝાબૌરાસે જણાવ્યું કે, ડોલરની મજબૂતીમાં ઘટાડો, તેલના ભાવમાં નરમાઈ અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં પીછેહઠથી સોનાના ભાવ મજબૂત બન્યા છે. યુએસ સેન્ટ્રલ બેંક વ્યાજદર અંગેના નિર્ણયની જાહેરાત કરશે. ત્યારબાદ ફેડના ચેરમેન કેવિન વોર્શ પત્રકાર પરિષદ યોજશે. વેપારીઓ વ્યાજદરમાં ઓછામાં ઓછા 25 બેઝિસ પોઈન્ટનો વધારો થવાની 93 ટકા શક્યતાઓ જોઈ રહ્યા છે. આ સપ્તાહમાં અન્ય મધ્યસ્થ બેંકો પણ વ્યાજદર અંગે નિર્ણય જાહેર કરશે. જેમાં બેંક ઓફ જાપાન શુક્રવારે વ્યાજદરને 31 વર્ષની ઉંચી સપાટીએ લઈ જવાની અને ધિરાણ ખર્ચમાં વધારો કરવાનું ચાલુ રાખવાની શક્યતા છે.