• બુધવાર, 12 માર્ચ, 2025

યોજના સારી, તિજોરી ખાલી...

લાડકી બહીણ યોજના

વિધાનસભા ચૂંટણીમાં `ગૅમચેન્જર' ઠરેલી મુખ્ય મંત્રી લાડકી બહીણ યોજનાના પાંચ લાખ લાભાર્થી અપાત્ર ઠર્યા હોવાથી તેઓને યોજનામાંથી બાકાત કરવામાં આવ્યાની માહિતી મહિલા અને બાળવિકાસ પ્રધાન આદિતિ તટકરેએ આપી છે. આ યોજનાના નિયમો અનુસાર લાભાર્થીઓને દૂર કરવામાં આવ્યા છે. આ યાદીમાં મુખ્યત્વે સંજય ગાંધી નિરાધાર યોજનાના લાભાર્થી, 65 વર્ષ ઉંમર પૂર્ણ કરેલા અને કુટુંબના સભ્યોના નામે ચાર પૈડાંવાળી ગાડી ધરાવતી મહિલાનો સમાવેશ થાય છે. પ્રધાને સ્પષ્ટતા કરી છે કે જેઓએ યોજનાનો ખોટી રીતે લાભ લીધો છે, તેઓ પાસેથી આપેલા રૂપિયા વસૂલ કરવાનો સરકારનો ઈરાદો નથી.

મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણીમાંની નિષ્ફળતા ધોઈ નાખવા માટે મધ્યપ્રદેશની જેમ ત્રણ એન્જિનની મહાયુતિ સરકારે વિધાનસભા ચૂંટણી પહેલાં મતો મેળવવા ઉતાવળે લાડકી બહીણ યોજના જાહેર કરી હતી ખરી, પણ હવે આ યોજના જ સરકાર માટે આર્થિક દૃષ્ટિએ ભારરૂપ બનવા લાગી છે. ચૂંટણી પહેલાં આ યોજનાના પાત્ર-અપાત્ર એવી કોઈપણ ચોક્કસાઈ કર્યા વિના અરજી કરનારા 21થી 65 વર્ષની વયજૂથની મહિલાને પંદરસો રૂપિયા સીધા બૅન્ક ખાતામાં જમા કરવાનું શરૂ કર્યું હતું. રાજ્યમાં અઢી કરોડ મહિલા લાભાર્થી બની હતી. આ આંકડો જોઈને મહાયુતિને આશ્ચર્ય નહીં થયું હોય? ગમે તેમ પણ છેવટે આ યોજના `ગૅમચેન્જર' ઠરી હતી.

`લાડકી બહીણ યોજના'એ આશીર્વાદ આપ્યા તેથી મહાયુતિને અભૂતપૂર્વ સફળતા મળી અને વિરોધી મહાવિકાસ આઘાડીનો કરુણ રકાશ થયો. રેવડી સંસ્કૃતિ પર ખુદ વડા પ્રધાને અને અનેક દિગ્ગજેએ ટીકા કરી હોવા છતાં હાલમાં સત્તા મેળવવા માટે આવી યોજના તારણહાર ઠરતી હોવાથી `ફેવરિટ' ઠરવા લાગી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાંથી આ જ બાબત સાબિત થાય છે, પણ હવે આ યોજના મહારાષ્ટ્રની તિજોરી પર ભાર બનતી જાય છે.

મહારાષ્ટ્રમાં `લાડકી બહીણ યોજના' માટે  વર્ષે લગભગ 46 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવી સરકાર માટે આસાન નહીં હોય. હાલમાં શિક્ષકો સહિત કેટલાક ઘટકોના પગાર તો રખડયાં જ છે. ઉપરાંત વિકાસ કામોમાં પણ કાપ મૂકવો પડયો છે. `યોજના સારી, પણ તિજોરી ખાલી' એવા હાલ છે. દર મહિને 2100 રૂપિયા આપવાનું નક્કી થાય તો 63 હજાર કરોડની તજવીજ કરવી પડશે. આ અંદાજ આવ્યા પછી અરજીઓ રદ કરવામાં આવી છે. એક જ મહિનામાં પાંચ લાખ નામો બાકાત કરવામાં આવ્યાં છે અને આ પ્રક્રિયા હજી કેટલાક દિવસો ચાલુ રહેવાની હોઈ લાભાર્થીનો આંકડો હજુ પણ ઓછો થાય તો નવાઈ નહીં.

આ યોજનાને લઈ સરકારી તિજોરી પર આર્થિક ભાર વધ્યાનો દાવો પણ `કેગ'ના અહેવાલમાં કરવામાં આવ્યો છે. આવકની સરખામણીમાં ખર્ચ વધ્યો હોવાથી રાજકોષીય ખાધ બે લાખ કરોડથી વધુ થઈ છે. અપાત્ર મહિલાઓને આપવામાં આવેલા પૈસા પાછા નહીં લેવામાં આવે એમ સરકારી કાર્યવાહી બદલ શાસક પક્ષ પર ટીકા કરવાની વિરોધીઓને તક મળી છે ત્યારે કોઈને નિરાશ કર્યા વિના કેવી રીતે માર્ગ કાઢવાનો પડકાર સરકાર સામે છે.