પીઓપી મૂર્તિનાં વિસર્જનનો પ્રશ્ન
પ્લાસ્ટર અૉફ પેરિસ-પીઓપીની ગણેશમૂર્તિનું વિસર્જન
સાર્વજનિક કે નૈસર્ગિક સ્રોતમાં કરવા મુંબઈ મહાપાલિકાએ કોર્ટના આદેશ અનુસાર પ્રતિબંધ
કર્યો હોવાથી માઘી ગણેશ ઉત્સવમાં આવી મૂર્તિઓનાં વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાવવાનું
પાલિકાએ સ્પષ્ટ કરતા તેનો લાભ અનેક ગણેશમંડળો લેશે કે નહીં તે જોવું રહ્યું. કેટલાંક
મંડળોનું કહેવું હતું કે, અનેક મંડળોએ પીઓપીની મૂર્તિનો અૉર્ડર અગાઉ નોંધાયા હોઈ મૂર્તિઓને
સમુદ્રમાં વિસર્જનની પરવાનગી આપવી જોઈએ. મુંબઈ મહાપાલિકા અને મુંબઈ પોલીસે કોર્ટના
આદેશનું માન રાખી કર્તવ્ય પાલન કરે તે બદલ તેઓ અભિનંદનને પાત્ર ઠરે છે.
આ બન્ને સંસ્થાએ કેન્દ્રીય પર્યાવરણ મંડળ, સુપ્રીમ
કોર્ટ અને હાઈ કોર્ટ એવી ટોચની સંસ્થાના આદેશનું પાલન કર્યું છે તે બદલ તેઓનો રોષ વહોરી
લેવો પડે તો તે અપેક્ષિત છે, પણ તક હોવા છતાં જનક્ષોભ કે ધાર્મિક ભાવના પ્રતિ અંગુલિનિર્દેશ
કરતા હાથ ઊંચા કરે નહીં તે મહત્ત્વનું છે. ભાદ્રપદમાં ગણેશોત્સવથી મહારાષ્ટ્ર સહિત
દેશ પરિચિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં માઘી ગણોશોત્સવને પણ મહત્ત્વ મળવા લાગ્યું
છે. જોકે કોઈપણ સાર્વજનિક ઉત્સવ કે કાર્યક્રમ નિયમ અને શિસ્તથી પાર પડે એ આવશ્યક છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સાર્વજનિક ગણેશમંડળોની બાબતમાં
‘પીઓપી’ની મૂર્તિનો મુદ્દો મહત્ત્વનો બન્યો છે. ‘પીઓપી’ કૃત્રિમ રસાયણ હોઈ તેમાંથી
બનાવેલી મૂર્તિઓનું વિસર્જન થયા પછી તુરંત કે પૂર્ણ વિઘટન નથી થતું. પાણીમાં અનેક નુકસાનકારક
ઘટક ભળે છે જે પર્યાવરણ અને માનવ બન્ને માટે હાનિકારક હોવાનું વૈજ્ઞાનિક સંસ્થા, સ્વયંસેવી
સંસ્થાઓએ વારંવાર સિદ્ધ કર્યું છે. આ સંદર્ભમાં મે, 2020એ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ
મંડળે એક આદેશ બહાર પાડી નૈસર્ગિક, પર્યાવરણ પદાર્થોમાંથી બનાવેલી મૂર્તિઓના નિયોજનને
ઉત્તેજન આપતાં પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે પણ
માન્ય રાખ્યો છે. આ વર્ષે 30 જાન્યુઆરીએ મુંબઈ હાઈ કોર્ટે આ આદેશને ટાંકીને પીઓપીની
મૂર્તિનું નિર્માણ, વેચાણ તથા વિસર્જન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ મુંબઈ પાલિકા તેમ જ
રાજ્યની બીજી બધી મહાપાલિકાઓને આપ્યો હતો. માઘી ગણેશોત્સવ પહેલી ફેબ્રુઆરીએ શરૂ થયો.
પ્રતિબંધનો આદેશ મોડે આવતા હવે મૂર્તિનું શું કરવું અને તેનું વિસર્જન કેમ કરવું એવો
પ્રશ્ન ગણેશમંડળો અને પીઓપી મૂર્તિકાર ઉપસ્થિત કરે છે. ગયા વર્ષે 30 અૉગસ્ટે ભાદ્રપદ
ગણેશોત્સવ માથે હતો ત્યારે કોર્ટે પીઓપી સંદર્ભમાં આદેશના અમલબજાવણીને લઈ મહાપાલિકાઓને
અવગત કરી હતી. પણ તેની જોઈએ એવી અમલબજાવણી નહોતી થઈ. ‘આટલો મોડો’ આદેશ બહાર પાડÎો હોય
અમને નુકસાન થાય છે એવો પીઓપી મૂર્તિકાર અને સાર્વજનિક મંડળોનો આક્ષેપ નહીં સમજાય એવો
છે.
દોષ ફક્ત મૂર્તિકાર કે મંડળોનો નથી. અમલબજાવણીની
જવાબદારી રાજ્યસ્તરે અને સ્થાનિક શાસનની છે. આપણે ત્યાં ‘હૌતા હૈ ચલતા હૈ’ જેવું વલણ
સંબંધિતોનું હોય છે. તેમાં પણ ‘િહન્દુ પર્વમાં અવરોધ’ એવી કાગારોળ મચે તો મહાપાલિકા
અને પોલીસ જેવાં તંત્ર પણ અમલબજાવણી કરતા ગભરાય છે.