કોઈ પણ લોકતંત્રનો આધાર જનતાની ઈચ્છા અને જનપ્રતિનિધિઓની શુદ્ધતા પર ટકેલો હોય છે. હાલમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તુત આંકડા અનુસાર લોકસભાના 543 સાંસદોમાંથી 251ની વિરુદ્ધ ગુનાહિત કેસો નોંધાયેલા છે, જેમાંથી 170 પર તો એવા ગંભીર ગુનાઓના આરોપ છે, જેની સજા પાંચ વર્ષ કે તેનાથી વધુ હોઈ શકે છે. આ આંકડા ચિંતાજનક છબી રજૂ કરે છે.
વિભિન્ન હાઈ કોર્ટો પાસેથી મળેલા આ આંકડાનું તારણ
વધુ ચોંકાવનારું છે. કેરળના 20માંથી 19 અને તેલંગણાના 17માંથી 14 સાંસદો પર ગુનાહિત
કેસો નોંધાયેલા છે. ઓડિશા, ઝારખંડ અને તામિલનાડુમાં ક્રમશ: 76, 71 અને 67 ટકા સાંસદો
ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તો લગભગ 50 ટકા કલંકિત સાંસદોનું અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર,
પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશથી હોવાનું દર્શાવે છે કે આ સમસ્યા કેટલી
ગંભીર અને તેનાં મૂળિયાં કેટલાં ઊંડાં છે. નૈતિકતા અને જનસેવા લોકતંત્રના મૂળભૂત ઘટક
છે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુદ જ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા હોય ત્યારે તંત્રની નિષ્પક્ષતા
પર વિશ્વાસ મૂકવાનું કામ મુશ્કેલ બની જાય છે.
નેતાઓનું સાર્વજનિક જીવન વ્યાપક હોય છે, આવામાં તેમના
પર સાચા-ખોટા કેસ નોંધાય એ પણ સમજી શકાય એવું છે, પણ હત્યા, બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓના
આરોપ વિચારવાની ફરજ પાડે છે. સરકારોની વાત એ પણ છે કે ટોચની અદાલતો દ્વારા આવા કેસોના
તુરંત નિકાલ અને આ કેસોની પ્રગતિ પર નજર રાખવા માટે વિવિધ દસ રાજ્યોમાં 12 વિશેષ અદાલતોના
ગઠનનો આદેશ આપવામાં આવ્યો હતો. આમ છતાં અનેક રાજ્યોમાં આ દિશામાં કોઈ પગલાં નથી લેવાયાં.
આવામાં બમણું સંકટ એ છે કે એક તરફ લોકતાંત્રિક પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને તેને
ગુનાહિત પાર્શ્વભૂમિકા ધરાવતી વ્યક્તિઓથી મુક્ત કરાવતા સંદર્ભમાં ન્યાયતંત્ર અને ચૂંટણી
પંચના આદેશોનો રાજકીય પક્ષો સંપૂર્ણ ઈમાનદારીથી અમલ નથી કરતા, તો બીજી તરફ પેન્ડિંગ
કેસોના પણ ઝડપી નિકાલ નથી થઈ રહ્યા.
ગયા વર્ષે મથાળામાં ચમકેલા સંદેશખાલી જેવા કેસ પારસ્પરિક
હિતોની એવી વ્યવસ્થા ભણી અંગુલિનિર્દેશ કરે છે, જેમાં ગુનેગારો રાજકારણનો અને રાજકારણ
ગુનેગારોનો ઉપયોગ કરે છે. જ્યારે ધનબળ કે બાહુબલ વ્યવસ્થા પર હાવી થઈ જાય, રાજકીય પક્ષોમાં
વ્યવસ્થાને આમ જ ચાલુ રાખવાને એકમત જણાતો પણ દેખાય રહ્યો હોય, તો મતદાતાઓની જાગરૂક્તા
જ રાજકીય પક્ષોને આવા રાજકારણીઓ સામે પગલાં લેવાની ફરજ પાડી શકે છે.
સર્વોચ્ચ લોકપ્રતિનિધિને સાંકળતા કેસો ઝડપથી હાથ
ધરવાની તાકીદ અદાલતોને કરી હોવા છતાં કોઈ સકારાત્મક પરિણામ જોવા મળ્યું નથી. જે ગંભીર
ગુનાસર જેલ સજા કાપી રહેલા ઉમેદવારોને ચૂંટણીના પ્રચાર માટે જામીન આપવાની પ્રથા પડી
ગઈ છે. આ બધું લોકતંત્રની હાંસી ઉડાવવા જેવું છે.