પેરિસમાં સંપન્ન બે દિવસીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંમેલન એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સ (એઆઈ) ઍક્શન સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંબોધનમાં અનેક ગૂઢાર્થ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કૃત્રિમ બુદ્ધિમત્તામાં કરોડો લોકોના જીવન બદલવાની ક્ષમતા છે, આને લઈ આપણે આમ લોકોનાં હિતમાં તેનો અધિકાધિક ઉપયોગ કરવો જોઈએ. સાયબર સુરક્ષા, ફૅક ન્યૂઝ અને ડીપ ફૅક સાથે સંકળાયેલી ચિંતાઓના ઉકેલ સાથે તેમણે વ્યાપક પહેલ હાથ ધરવાનું આહ્વાન કર્યું છે.
વિશ્વમાં હાલ એઆઈને લઈ ઉત્સાહનું વાતાવરણ છે. વડા
પ્રધાને પણ પેરિસના સંમેલનમાં એઆઈ પ્રતિ સકારાત્મક પક્ષ રજૂ કરી ભારતનું વલણ સ્પષ્ટ
કર્યું છે. એમાં કોઈ બેમત નથી કે, એઆઈના નિયમન અને નાવિન્ય વચ્ચે સંતુલન જાળવી રાખી
આપણે આગળ વધવાનું રહેશે. આ ક્ષેત્રમાં આખી દુનિયાની સાથે ખભેખભા મિલાવી ભારતે એઆઈને
અપનાવવાની સાથે પણ તે ડેટા ગુપ્તતાને કાયદાનું રૂપ આપનારા આગળ પડતાં દેશોમાંથી એક દેશ
છે. આ દિશામાં તેણે અનેક પહેલ કરી છે. નીતિ પંચે પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય વ્યૂહરચના
પણ તૈયાર કરી છે.
ભારતમાં એઆઈના ઉપયોગ માટે શરૂઆતના તબક્કામાં એવી
શંકાઓ હતી, જે રીતે લગભગ ચાર દશકા પહેલાં કૉમ્પ્યુટર આવવાના અને તેનો ઉપયોગ શરૂ થવાના
સમયે વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, કૉમ્પ્યુટરના આગમનથી કામ સરળ બન્યું હતું. એઆઈથી
કામકાજની રીતો પણ બદલાશે. અનેક જટિલ કાર્ય સરળતા અને ઝડપથી થશે. વડા પ્રધાનનું કથન
ઉચિત જ છે કે ટેક્નૉલૉજીથી રોજગારની તકો ઝૂંટવાઈ નથી જતી, માત્ર તેનો પ્રકાર બદલાય
છે. આ દૃષ્ટિએ જોઈએ તો એઆઈના વધતા ઉપયોગની સાથે નવી નોકરીઓનું સર્જન થશે જેના વિશે
આજ સુધી કોઈએ વિચાર્યું પણ નહીં હોય. સમય આવી ગયો છે કે લોકો અને ખાસ કરીને યુવાનો
એઆઈમાં પ્રવીણ બને, જેને લઈ ભવિષ્યમાં થનારા બદલાવ માટે સ્વયંને તૈયાર કરી શકે. ત્યારે
દેશ પણ એઆઈમાં સક્ષમ બનશે. પારંપારિક તથા બિનપારંપારિક ક્ષેત્રોમાં ઓછી મૂડી અને મહેનતથી
ભારત પણ વિશ્વ સ્તરે નવો ઈતિહાસ રચશે.
એઆઈના ઉપયોગ સંદર્ભમાં વૈશ્વિક માળખું બનવું આવશ્યક
છે, કારણ કે એઆઈના દુરુપયોગનો ભય સર્વવિદિત છે. આધુનિક ટેક્નૉલૉજી બનાવનારી કેટલીક
કંપનીઓ એઆઈને પોતાની રીતે ચલાવવા કે નિયંત્રિત કરવા ધારે છે. આ ટેક્નૉલૉજીનો ઉપયોગ
મનમાની રીતે ન થાય, આ માટે આતંરરાષ્ટ્રીય સમુદાયે કોઈ અસરકારક તંત્ર બનાવવાનું રહેશે,
કારણ કે અમેરિકાની કેટલીક મોટી ટેક્નૉલૉજી કંપનીઓએ માહિતી વિશ્વમાં પોતાને એકાધિકાર
સ્થાપિત કરી લીધો છે. આ એકાધિકાર અને તેમની આપખુદશાહીને પહોંચી વળવાનો પડકાર વિશ્વના
તમામ દેશો સામે મોઢું ફાડીને ઊભો છે. જો એઆઈ કંપનીઓ પણ આ પ્રકારની એકહથ્થુ ઈજારાશાહી
સ્થાપિત કરી લેશે તો સમસ્યા કેવો રંગ લેશે એનો અંદાજ લગાડવાનું કામ પણ કપરું છે.