નાણાપ્રધાન નિર્મલા સીતારામન લોકસભામાં નવું ઇન્કમ ટૅક્સ બિલ 2025 રજૂ કર્યા બાદ સ્પીકર ઓમ બિરલાને ગૃહની સિલેક્ટ કમિટીને નવા કાયદા માટેનો ખરડો મોકલી આપવા વિનંતી કરી છે. આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ મૌખિક મતદાન લેવાયું ત્યારે બિલ રજૂ કરવાની મૌખિક મંજૂરી આપી હતી.
નવું ઇન્કમ ટૅક્સ બિલ સ્વાગત
યોગ્ય છે. ઇન્કમ ટૅક્સ એક એવો સંવેદનશીલ વિષય છે, જેમાં સુધારનો અવકાશ હંમેશાં રહેતો
હોય છે અને રહેશે. એક સમય એવો હતો, જ્યારે ભારતમાં આવકવેરા દરો અસામાન્યપણે ઊંચા હતા,
જેના પગલે કાળું નાણું અને કરચોરીએ માજા મૂકી હતી. ઇન્કમ ટૅક્સના ફોર્મનું નામ `સરલ'
છે, પણ વાસ્તવમાં આમઆદમી માટે જટિલ છે. હવે જો આ નવો ખરડો આ પ્રક્રિયાને સરળ બનાવે
એવો હોય તો એનું સ્વાગત થવું જોઈએ. ઇન્કમ ટૅક્સના મોરચે હજી ઘણું કરવાની આવશ્યક્તા
છે. ટૅક્સ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે કોઈપણ વ્યક્તિ ટૅક્સ ચૂકવવાના પ્રકરણમાં વાસ્તવિક્તા
અને કાગદી બન્ને સ્તરો પર આત્મનિર્ભર થઈ જાય.
નવા ઇન્કમ ટૅક્સ બિલમાં
ટૅક્સ ફાઈલિંગથી સંકળાયેલી મુશ્કેલીઓને ઘટાડવાના પ્રયાસ દેખાય છે. નવું બિલ જૂના બિલથી
નાનું છે અને ઓછા શબ્દોમાં પ્રક્રિયાને યથોચિત રીતે સમજાવવાનો પ્રયાસ થયો છે. બેશક,
નવા કાયદાને સરળ, પારદર્શી રીતે સમજાવવાની સાથે ટૅક્સ ભરનારાઓને અનુકૂળ બનાવવો, વિકસિત
ભારતને અનુકૂળ કરવામાં થાય એવો કરાયો છે. એ સારી વાત છે કે `ફાઈનાન્શિયલ ઈયર,' `પ્રીવિયસ
ઈયર', `એસેસમેન્ટ ઈયર' જેવા શબ્દો માટે હવે ફક્ત ટૅક્સ ઈયર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
નવા કાયદાના અંતર્ગત સેના,
અર્ધ સૈનિક દળ અને અન્ય કર્મચારીઓને મળતી ગ્રૅચ્યુટી ટૅક્સ મુક્ત હશે. ચિકિત્સા, હોમ
લોન, પીએફ, ઉચ્ચ શિક્ષણ માટે લોન પર ટૅક્સ પહેલાની જેમ ચાલુ રહેશે. ઇન્કમ ટૅક્સ બિલ
આ વર્ષે પસાર થઈ ગયું તો 2026માં લાગુ કરી દેવામાં આવશે. આમ થયું તો 2025નું વર્ષ ઇન્કમ
ટૅક્સ બાબતમાં ઐતિહાસિક વર્ષ હશે. આ વર્ષે 12 લાખ રૂપિયા સુધીની આવકને ઇન્કમ ટૅક્સથી
મુક્તિ મળી છે. આનો અર્થ એ થયો કે વર્ષે બાર લાખ રૂપિયા સુધીની આવક સામાન્ય બાબત છે.
અહીંથી દેશની એક નવી વિકાસયાત્રા શરૂ થાય છે.
ઇન્કમ ટૅક્સ વિષય દરેક દેશમાં
વિવાદનો વિષય રહ્યો છે. ઇન્કમ ટૅક્સને બમણો અને બિનઆવશ્યક ટૅક્સ માનનારા અર્થશાત્રીઓ
પણ ઓછા નથી. એ માનવામાં આવે છે કે એક નાગરિક લગભગ દરેક વસ્તુ અને સેવા માટે ટૅક્સ ચૂકવે
છે, તો પછી તેની પાસેથી ઇન્કમ ટૅક્સ વસૂલવાની શું આવશ્યક્તા છે, પણ હાલના સમયમાં સરકારોને
સરળ ટૅક્સ કે આવકની આવશ્યકતા છે, ત્યારે ઇન્કમ ટૅક્સ સૌથી કારગર છે. આવકના સ્રોત પર
જ ટૅક્સ લગાવવાની આ આસાન પ્રક્રિયા શાસન-તંત્રને પણ ઉચિત લાગે છે, ગયા વર્ષે ઇન્કમ
સ્લેબમાં અપેક્ષા અનુરૂપ બદલાવ નહોતો કરાયો, ત્યારે સરકારની લાચારીની પણ ચર્ચા થઈ હતી.
જોકે, આવી લાચારી છતાં આ વર્ષે સરકારે ત્યાગની ભાવના બતાવી છે અને આ માટે તેની પ્રશંસા
પણ થવી જોઈએ. આશા રાખીએ કે આવનારા સમયમાં ટૅક્સના મોરચે આ ક્રમ ચાલુ રહેશે.