• બુધવાર, 12 માર્ચ, 2025

સાયબર ગુનાઓમાં વધારો

સાયબર ગુનાઓની સંખ્યા રોજબરોજ વધતી જાય છે. રાજ્યમાં 50 સાયબર પોલીસ સ્ટેશનો કાર્યાન્વિત છે છતાં છેલ્લા એક વર્ષમાં ફક્ત મહારાષ્ટ્રમાં નોંધાયેલા 8947 ગુનાઓની નોંધ લક્ષમાં લઈએ તો આ ચક્રવ્યૂહ કેટલો વ્યાપેલો છે તેનો ખ્યાલ આવે છે. આ ગુનાના ભોગ બનેલાઓનો આંકડો ઘણો વધુ છે.

આ ગુનાઓની માહિતી વિધાનસભામાં પ્રશ્નના ઉત્તરમાં જાણવા મળી છે. મુખ્ય પ્રધાને આ સંદર્ભમાં મુંબઈ, થાણે, નાગપુર અને પુણેના આંકડાઓ આપ્યા છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ગુના નિષ્ણાતોના સંશોધનમાં આવા ગુનાઓના સંદર્ભમાં ભારત 100 દેશોમાં દસમા સ્થાને હોવાનું બહાર આવ્યું છે. સાયબર નિષ્ણાતોએ જાહેર કરેલા `સાયબર ક્રાઈમ ઈન્ડેક્સ'માં રશિયા, યુક્રેન, ચીન એવા દેશોનો ક્રમ છે. `માલવેઅર કોડિંગ'થી લઈ `િસસ્ટમ હૅકિંગ' સુધી અને ક્રેડિટ કાર્ડના ગેરવ્યવહારથી ક્રિપ્ટો કરન્સી સુધીના વિવિધ માર્ગે આમજનતાને જાળમાં ફસાવવાનું કામ વિશ્વભરમાં ચાલુ છે.

 પોલીસના હાથ ગુનેગારો સુધી પહોંચવામાં પાછા પડે છે, એમ અનુભવ કહે છે. આવા ગુનેગારોના ફોન વિદેશથી આવતા હોય ત્યાં સુધી પહોંચવાનું પોલીસ માટે શક્ય નથી હોતું. ગુનાઓના વિશ્લેષણ માટે પુણેમાં `સેન્ટર અૉફ એક્સલન્સ ઈન ડિજિટલ ફોરન્સિક' શરૂ થયું છે તે રાહતની વાત હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં જિંદગીભરની કમાણી પર ધાડ પાડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આમઆદમી પર લટકતી તલવાર કાયમ હશે તે દૂર કરવું અતિ આવશ્યક છે.

આ સંદર્ભમાં મહારાષ્ટ્ર વ્યાપી સંરક્ષણ કવચ જલદી તૈયાર થશે એવું મુખ્ય પ્રધાનનું આશ્વાસન દિલાસારૂપ છે. પણ આપણા સંરક્ષકો કરતાં સાયબર ઠગો અતિશય ચાલાક હોવાની જે ભાવના સામાન્ય લોકોમાં દૃઢ થઈ છે તે ઘાતક અને ભયકારક છે. આ ભયમાંથી બહાર આવવા પોલીસ સાથે નાગરિકોનો સંવાદ સત્ર લેવામાં આવે તો કાર્યવાહીમાં લોકોનો વિશ્વાસ વધશે.