અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટના કરેલા સંબોધનમાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા, મેક્સિકો અને કૅનેડા જેવા દેશો પર `રેસિપ્રોકલ ટૅરિફ' બીજી એપ્રિલથી અમલમાં લાવવાની જાહેરાત કરી છે. તેમણે ભારતનું બે વેળા નામ લઈ જણાવ્યું હતું કે ભારત અમારી પ્રોડક્ટ્સ પર 100 ટકા જેટલો ટૅરિફ ચાર્જ કરે છે. તેમણે જણાવ્યું કે અમેરિકામાં આવતી એગ્રી પ્રોડક્ટ્સ `ટેસ્ટિંગ' વગર આવે છે, તે ગંદી છે, તેના પર હું જંગી વેરો નાખીશ, તેના લીધે તે આવી ચીજો નહીં મોકલી શકે, તેથી અમેરિકાના ખેડૂતોને ફાયદો થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ટૅરિફની તલવાર ચલાવી રહ્યા
છે તેનાથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાનાં બન્ને ગૃહોના સંયુક્ત સત્રમાં
પોતાના બીજા કાર્યકાળમાં પહેલી વેળા સંબોધિત કરતાં ટ્રમ્પે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી
દીધા છે. ટૅરિફની તલવારે તેમને પ્રતિકૂળ રહેનારા દેશોને જ નહીં, પરંતુ મિત્રદેશોને
પણ વિચાર કરતા કરી દીધા છે.
આ બાબતમાં ચીનનું વલણ ભારે આક્રમક છે અને તેની લાચારી
પણ છે. અમેરિકા દ્વારા ચીનની નિકાસ પ્રભાવિત થાય છે, તો ચીનને ભારે નુકસાન થશે. આક્રોશિત
ચીને તો ત્યાં સુધી કહી દીધું છે કે જો અમેરિકા યુદ્ધ ઈચ્છતું હોય, પછી તે ટૅરિફ યુદ્ધ
હોય, વ્યાપાર યુદ્ધ હોય કે પછી બીજા પ્રકારનું યુદ્ધ હોય અમે છેવટ સુધી લડવા તૈયાર
છીએ. આ પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે આવા આકરા પ્રત્યાઘાતની અભિવ્યક્તિ અમેરિકા
સ્થિત ચીન દૂતાવાસે એક્સ દ્વારા કરી છે. મતલબ સ્પષ્ટ છે કે મોટા નુકસાનની આશંકા છતાં
બીજિંગને કોઈપણ પ્રકારનો ગભરાટ નથી.
આમ તો લાંબા સમયથી અમેરિકા પોતાના સ્વાર્થને ટોચની
પ્રાથમિકતા આપતું આવ્યું છે. ટૅરિફની તલવારથી ખુદ અમેરિકાને નુકસાન થશે. અમેરિકા ટૅરિફ
વિવાદનો વિના ઊહાપોહ આસાનીથી ઉકેલ લાવી શકતું હતું. ઊહાપોહથી જે માહોલ ખરાબ થયો છે
તેમાં સર્વાધિક નુકસાન એ અમેરિકી સરકારને થશે.
અમેરિકાની સંસદમાં રેકોર્ડતોડ ટ્રમ્પનું લાંબું ભાષણ
વ્યાપાર યુદ્ધની પહેલથી વ્યક્ત થઈ રહેલી શંકાને દૃઢ કરનારું છે અને તે વૈશ્વિક આર્થિક
અનિશ્ચિતતાનો પણ સંકેત આપે છે. જે રીતે હાલમાં વ્હાઈટ હાઉસની કાર્યવાહીમાં યુક્રેન,
રશિયા અને યુરોપથી સંબંધિત મુદ્દા હાવી રહ્યા, તેનાથી વિપરીત ટ્રમ્પે આ ભાષણમાં મોટા
ભાગે ઘરેલુ મુદ્દા - પ્રવાસી અમેરિકનો, ફુગાવો, ઊર્જા, દક્ષતા વિભાગ અને ટૅક્સ કાપ
પર હાવી હતા. આ ભાષણ રિપબ્લિકન પક્ષની નીતિઓની પુષ્ટિ કરે છે, જે `મેક અમેરિકા ગ્રેટ
અગેન'ના આધાર પર છે અને કડક સીમા નિયંત્રણ લાગુ કરનારો છે. પોતાની સરકારને જ્યોર્જ
વૉશિંગ્ટનની સરકારથી બહેતર બતાવતાં તેમણે પ્રવાસી અમેરિકનોની નીતિની વાત કરી છે, જે
દીર્ઘકાળમાં અમેરિકા અર્થતંત્ર માટે પડકાર બની શકે છે.
અમેરિકામાં ટૅરિફથી ભારતના ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સ્ટાઈલ્સ
અને ઈલેક્ટ્રોનિક જેવાં સેક્ટર પર વિશેષ નકારાત્મક પ્રભાવ પડી શકે છે, નિકાસ અને ઘરેલુ
ઉદ્યોગો માટે પડકારો વધી શકે છે. કારણ કે અમેરિકાની કંપનીઓ પણ જે ચીનથી થતી આયાતના
સ્થાને નવા પૂર્તિકર્તાઓની શોધમાં છે અને ભારત આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે
છે. પહેલાં પણ અનેક કંપનીઓએ ચીન છોડી ભારતમાં રોકાણ વધાર્યું છે. જો ભારત આ સ્થિતિનો
લાભ ઉઠાવવા માટે યોગ્ય નીતિઓ અપનાવે તો અર્થતંત્રને મજબૂતી આપી શકે છે.
સૌથી પહેલાં અમેરિકા સાથે વ્યાપાર મંત્રણામાં ગતિ
લાવવાની રહેશે અને ટૅરિફમાં સંભવિત છૂટ પર વાતચીત કરવાની રહેશે. આ ઉપરાંત આત્મનિર્ભર
ભારત અભિયાનને શક્તિશાળી બનાવવા ઘરેલુ ઉત્પાદન અને નિકાસ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાની
જરૂર છે. અન્ય દેશો સાથે મુક્ત વ્યાપાર સમજૂતીને પ્રાથમિકતા આપવાથી અમેરિકા પર નિર્ભરતા
ઓછી થાય. ટ્રમ્પની ટૅરિફનીતિ ભારત માટે નવા પડકારો ઊભા કરી શકે છે, પરંતુ સતર્ક નીતિઓ
અને શક્તિશાળી આર્થિક કૂટનીતિથી તેની અસર સીમિત કરી શકાય છે.