મહારાષ્ટ્રના ચિકિત્સા - શિક્ષણપ્રધાન હસન મુશ્રીફે વિધાનસભામાં જણાવ્યું છે કે રાજ્યની કેટલીક સરકારી હૉસ્પિટલોમાં નકલી દવાઓની ખરીદી થઈ છે. આ કેસને લઈ ભારે હોબાળો મચી જવો જોઈતો હતો કારણ કે કોઈપણ દર્દીને નકલી દવાઓ આપવી વાસ્તવમાં તેની હત્યાના પ્રયાસ તરીકે જોવું જોઈએ. આશ્ચર્ય છે કે વિધાનસભામાં આ સવાલનો ફક્ત જવાબ માગવામાં આવ્યો અને કોઈ હોબાળો થયો નહીં.
વિધાનસભામાં
માહિતી પણ આપવી જોઈતી હતી કે નકલી દવાઓ વેચવાના તથા ખરીદવાના કેસમાં અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ થઈ છે અને તેઓને સજા અપાવવા સરકાર શું કરી રહી છે? જે ગરીબ કે મધ્યમવર્ગની વ્યક્તિ આશા સાથે હૉસ્પિટલ પહોંચે છે કે તેની જિંદગી બચી જશે, એ હૉસ્પિટલમાં જો નકલી દવાઓનો ઉપયોગ થઈ રહ્યો હોય તો કેટલો મોટો ગુનો છે. તપાસનો વિષય ફક્ત એટલો જ નથી કે કોણે નકલી દવાઓનો અૉર્ડર આપ્યો, કોણે વિનાતપાસ આ દવાઓ હૉસ્પિટલના સ્ટોરમાં પહોંચાડી. મોટો સવાલ છે કે કેટલા દર્દીઓ નકલી દવાઓ ખાવા લાચાર બન્યા અને આનાથી તેમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચ્યું.
આશા
ઓછી છે કે આટલા વ્યાપક પ્રમાણમાં કોઈ તપાસ થાય! કારણ એ પણ છે કે દેશમાં નકલી દવાઓના કારોબારીઓ એટલા શક્તિશાળી છે કે તેઓ દરેક વિપરીત સ્થિતિ-બાજી પોતાની તરફેણમાં વાળી શકે છે. તપાસ સંપૂર્ણ પારદર્શિતાથી થાય તો આવાં ક્ષેત્રે તેઓ ફસાઈ શકે છે. આ આશંકા એ માટે થાય છે કે દેશમાં અનેક સ્થળોએ નકલી દવાઓના કારોબાર પર છાપા પડતા રહે છે, કાર્યવાહી થતી રહે છે, પરંતુ નકલી દવાઓનો કારોબાર અટકતો નથી.
ગયા
વર્ષે ફક્ત પશ્ચિમ બંગાળમાં એક સ્થળે સાડા છ કરોડ રૂપિયાથી વધુની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી હતી. આ દવાઓ ખાસ કરીને કૅન્સર અને ડાયાબિટીસનો ઉપચાર કરતી નકલી દવાઓ હતી. ઉત્તરાખંડની કેટલીક બોગસ કંપનીઓ પર છાપા પડયા તો એ જાણવા મળ્યું કે ભારે પ્રમાણમાં નકલી દવાઓ તેલંગણામાં સપ્લાય કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે એક સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો જે ભારતમાંથી નકલી દવાઓ પડોશી દેશોમાં મોકલતી હતી. આવા પ્રકારના છાપા દર વર્ષે પડે છે.
વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠનનું આકલન છે કે વિશ્વમાં નકલી દવાઓનો કારોબાર લગભગ 17 લાખ કરોડ રૂપિયાનો છે. 65 ટકાથી વધુ નકલી દવાઓ જીવન માટે ભયજનક હોય છે. શેષ દવાઓ ભલે ભયજનક ન હોય પરંતુ તેનાથી દર્દી સારો પણ નથી થતો અને બીમાર દર્દી ક્યારેક મરણનો શિકાર બની જાય છે. ઍસોસિએટેડ મેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી અૉફ ઇન્ડિયાનો એક અભ્યાસ રિપોર્ટ કહે છે કે નકલી કે ઉતરતી કક્ષાની દવાઓથી દેશ ભરેલો છે. અહીં ઉલ્લેખ કરવો ઘટે કે કોવિડ-19ના સમયે પણ દેશભરમાં નકલી રેમડેસિવિરનાં ઈન્જેક્શન સપ્લાય કરવાનાં અનેક પ્રકરણો બહાર આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં નકલી દવાઓની ખરીદીના આ પ્રકરણે એવી કાર્યવાહી થવી જોઈતી હતી કે કોઈ ગુનેગાર બચી ન શકે, પરંતુ શું આવું થશે?