• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

રેલ અકસ્માત કે ષડ્યંત્ર?

ભારતીય રેલવેના આધુનિકીકરણ, અદ્યતન બનાવવાની, નવી ઝડપી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત થાય છે અને વંદે ભારત ઠેરઠેર શરૂ થઈ રહી છે ત્યારે ઓડિશામાં ભીષણ ટ્રેન દુર્ઘટનાથી દેશભરમાં આઘાત અને શોકની લહેર છે. દુર્ઘટનામાં માર્યા ગયેલાઓની સંખ્યા 288ને પાર કરી ગઈ છે. 900થી વધુ જખમી થયા છે. દુર્ઘટનામાં યુદ્ધના  સ્તરે રેસ્ક્યુ અૉપરેશન ચલાવવામાં આવ્યું છે. સ્થાનિક ફોર્સ ઉપરાંત આર્મી અને વાયુસેના પણ રાહત-બચાવ કાર્યમાં જોડાયાં પછી વાયુસેનાનાં હેલિકૉપ્ટરની મદદથી ઘાયલોને ઍરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

દુર્ઘટનામાં બે ટ્રેન એક જ સમયે એક જ પાટા પર આવી ગઈ હતી. આ માટે બે કારણ હોઈ શકે છે. એક માનવીય ભૂલ અને બીજી ટેક્નિકલ ખરાબી. ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પાછળ ટેક્નિકલ ખરાબીનું કારણ માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, સિગ્નલની ખરાબીના કારણે બે ટ્રેન એક જ પાટા પર આવી ગઈ હતી અને તેઓમાં ટક્કર થઈ ગઈ. વાસ્તવમાં કન્ટ્રોલ રૂમની સૂચના પર ચાલક ટ્રેનને ચલાવતો હોય છે અને કન્ટ્રોલ રૂમના આદેશ પાટાઓ પર ટ્રાફિક જોઈને આપવામાં આવે છે.

દરેક રેલવે કન્ટ્રોલ રૂમમાં એક મોટો ડિસ્પ્લે લગાવવામાં આવે છે જેના પર દેખાઈ રહ્યું હોય છે કે કયા પાટા પર ટ્રેન અને કયો પાટો ખાલી છે. આ લીલા અને લાલ રંગની લાઈટોના માધ્યમથી દાખવવામાં આવે છે. કન્ટ્રોલ રૂમથી લોકોપાયલટને આદેશ આપવામાં આવે છે. આ વેળા એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ડિસ્પ્લે પર ટ્રેનનું સિગ્નલ બરાબર દેખાયું નહીં હોય અને આ કારણે દુર્ઘટના થઈ.

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ અૉપરેશનની સમીક્ષા કરી છે. ભીષણ રેલવે દુર્ઘટના માટે ઈન્ક્વાયરી કમિટી પણ નીમવામાં આવી છે. રેલવેપ્રધાને કહ્યું છે કે, દુર્ઘટનાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી પણ આ દુર્ઘટના માટે જે કોઈ જવાબદાર હશે તેને બક્ષવામાં નહીં આવે. રેલવેપ્રધાને દુર્ઘટના અંગે જે પ્રતિબદ્ધતા દાખવી છે તેને લઈ આશા રાખી શકાય કે દુર્ઘટનાનું મૂળ કારણ બહાર આવ્યા પછી જ જાણી શકાશે.

રેલવે બજેટમાં નવી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવે છે. ઉતારુઓની સુવિધા માટે અનેક ઘોષણાઓ કરવામાં આવે છે. રેલવેની દેખરેખ માટે પણ મોટી રકમની ફાળવણી કરવામાં આવે છે. રેલવેનાં સિગ્નલ સુધારણા પાછળ છેલ્લાં અનેક વર્ષોથી ધ્યાન અપાયું છે. આમ છતાં એક પાટા પર બે ટ્રેન સામસામે આવી રહી અને તેની ટક્કર થતાં અનેક નિર્દોષો મોતનો કોળિયો બની જતાં હોય છે. આવા અકસ્માતો રોકવા માટે પણ રેલવે વિભાગે ખાસ ધ્યાન આપવું રહ્યું. એવું નથી કે આપણા દેશમાં જ આવા અકસ્માતો થાય છે. વિદેશમાં પણ થાય છે, પણ ત્યાં ભાગ્યે જ આવા ગંભીર અકસ્માતો થતાં હોય છે. રેલવેપ્રધાને હવે ઉતારુઓની સુરક્ષાને પ્રાધાન્યતા આપવા રેલ પ્રવાસ કેવી રીતે ભયમુક્ત બને તેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.