• શનિવાર, 27 એપ્રિલ, 2024

મુસ્લિમ લીગને સેક્યુલરનું સર્ટિફિકેટ આપતા રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા સવાયા મુસ્લિમ બનવા માગે છે : ભાજપ

વોશિંગ્ટન, તા. 2 : પૂર્વ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીના નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. એ દરમ્યાન કેરળમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે જોડાણ અંગે રાહુલે કહ્યું કે, મુસ્લિમ લીગ સંપૂર્ણપણે ધર્મ નિરપેક્ષ પક્ષ છે.

મુસ્લિમ લીગ અંગે રાહુલના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપ નેતા અમિત માલવિયાએ કહ્યું હતું કે, ઝીણાનો મુસ્લિમ લીગ પક્ષ ધાર્મિક આધાર પર ભારતના ભાગલા માટે જવાબદાર હતો. વાયનાડમાં પોતાની સ્વીકાર્યતા ટકાવી રાખવા આવું બોલવું રાહુલની મજબૂરી છે. મે સંસદમાં અદાણી અંગે વાત કરી હતી, જેના કારણે મને ગેરલાયક ઠરાવી દેવાયો, તેવું `મોદીરાજ' પર નિશાન સાધતાં કોંગ્રેસ નેતાએ ઉમેર્યું હતું.

દરમ્યાન, રશિયા અને યુક્રેન જંગ વિશે વલણ અંગે સવાલના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે, રૂસ અંગે કોંગ્રેસ ભાજપના વલણની સાથે છે. ભારતીય તંત્ર અને વ્યવસ્થા મજબૂત છે, પરંતુ તેમને કમજોર કરાઇ રહ્યા છે, તેવો આરોપ મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ મૂક્યો હતો.કોંગ્રેસ નેતાએ એવા પ્રહાર કર્યા હતા કે, ભારતમાં પ્રેસને આઝાદી નથી, મોંઘવારી, બેરોજગારીથી જનતા પરેશાન છે.

દેશમાં અમીરો અને ગરીબોની ખાઇ મોટી થતી જાય છે, એ જોતાં અર્થતંત્ર અંગે મોદીના દાવાઓ પર ભરોસો કરવો મુશ્કેલ લાગે છે, તેવા પ્રહાર તેમણે કર્યા હતા. ભાજપે કહ્યું હતું કે, મુસ્લિમો પણ મુસ્લિમ લીગને સેક્યુલર નથી માનતા, પરંતુ રાહુલ ગાંધી સવાયા મુસ્લિમ બનવા આવા નિવેદનો કરી રહ્યા છે.