• મંગળવાર, 06 જૂન, 2023

પંઢરપુર મંદિર પરિસર માટે રૂા. 73.80 કરોડના પ્રસ્તાવને મંજૂરી  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રમાં ભાવિકોની ભીડ થતી હોય એવાં મંદિરોનું ડિજિટલ મેપિંગ કરીને ત્યાં શક્ય એટલી વધુ સુવિધાઓ ઊભી કરવામાં આવે એવો આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો છે. અક્કલકોટ તીર્થક્ષેત્રના વિકાસ માટે રૂા. 368 કરોડ અને અષાઢી એકાદશીની યાત્રાને ધ્યાનમાં રાખીને પંઢરપુર શહેરના રસ્તા માટે રૂા. 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. પંઢરપુર મંદિર વિકાસ યોજના માટે રૂા. 73.80 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન શિંદેની અધ્યક્ષતા હેઠળ આજે મળેલી શિખર સમિતિની બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહેસૂલ પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય પ્રધાને વારકરીઓને કેન્દ્રસ્થાને રાખીને પંઢરપુર મંદિરના વિકાસ યોજનાનો અમલ કરવાની સૂચના આપી હતી. શિંદેએ મંદિરના પ્રાચીન વૈભવનું જતન કરીને ભક્તો માટે સુવિધાઓ ઊભી કરવાનો નિર્દેશ આપ્યો છે. અષાઢી એકાદશીની યાત્રા માટેનું અનુદાન રૂા. પાંચ કરોડથી વધારીને રૂા. 10 કરોડ કરવામાં આવ્યું છે. ઉપરાંત પંઢરપુરના બધા માર્ગોનું કૉક્રીટીકરણ કરવાની સૂચના આપવામાં આવી છે. મંદિર પરિસરમાં સુધારણા માટે મુખ્ય સચિવના અધ્યક્ષપદ હેઠળ ઉચ્ચાધિકાર સમિતિની રચના કરવામાં આવી છે. ભાવિકો માટે અૉનલાઈન અને ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.