• બુધવાર, 12 માર્ચ, 2025

ફૂટપાથ ચાલવાલાયક બનશે?

મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં વિશેષ નિયોજનોના પ્રયાસ કરવામાં આવ્યા છે, આમાં પાલિકા ‘વૉકબિલિટી’ અર્થાત્ ચાલવાનું સરળ બને તેના પર ભાર મૂકે છે. ‘વૉકબિલિટી’ને લઈ ચાલનારાઓને ફૂટપાથની સલામતી મળે છે તે ઉપરાંત વાહનો પરનું દબાણ ઓછું થવામાં મદદ થાય છે. આમાં ફૂટપાથની સ્થિતિ, ફૂટપાથની પહોળાઈ, સુરક્ષિતતા, વાપરવાની સહજતા, નિયમિત પરીક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.

ટ્રાફિકજામ, ફૂટપાથ પર ઠેરઠેર પથારો કરીને બેઠેલા ફેરિયાઓ, અતિક્રમણને લઈ મુંબઈગરા માટે ફૂટપાથ ચાલવાલાયક નથી રહી. ટ્રાફિકજામ ઓછો કરવા પર હવે મહાપાલિકાએ લક્ષ કેન્દ્રિત કર્યું છે. આ માટે ‘યુનિવર્સલ પદપથ નીતિ’ તૈયાર કરવામાં આવી છે. મુંબઈમાં ઠેરઠેર આ નીતિ અમલમાં મૂકવામાં આવશે, એમ બજેટમાં કહેવામાં આવ્યું છે. જોકે, બે વર્ષ પહેલાંની ‘પેડસ્ટ્રિયન ફર્સ્ટ’ નીતિનું શું થયું, તેના પર પ્રશ્ન ઉપસ્થિત થયો હોય, નવી નીતિની અમલબજાવણી કેવી રીતે થશે એ અંગે લોકોમાં શંકા છે.

મુંબઈમાં ચાલવા માટે મોકળી ફૂટપાથો, રસ્તાઓ, વીજળી અને પાણી જેટલો જ મહત્ત્વનો વિષય છે, પણ છેલ્લાં અનેક વર્ષોથી મુંબઈ પાલિકા દ્વારા નીતિની જાહેરાત અને માર્ગદર્શક સૂચના આપવા સિવાય વિશેષ કોઈ પ્રયાસ નથી થયા. મરીન ડ્રાઈવ, પેડર રોડ જેવા વિસ્તાર હોય કે ધારાવી, દહિસર, મુલુંડ કોઈપણ વિસ્તારની એક પણ ફૂટપાથ મોકળી જણાતી નથી. મુંબઈની ફૂટપાથ ગેરકાયદે બાંધકામો અને ફેરીવાલાઓ ગળી ગયા છે. ફૂટપાથ પર ચાલવા માટે જગ્યા નથી. એટલે મુંબઈગરાઓ રસ્તા પર ચાલે છે. તેને લઈ અકસ્માતો થાય છે અને તેમાં કેટલાક જીવલેણ પણ હોય છે. માર્ગ અકસ્માતમાં અનેક મુંબઈગરાઓએ જાન ગુમાવ્યા છે. એક રીતે જોઈએ તો ફૂટપાથ પર ચાલવાનો નાગરિકોને અધિકાર છે, પણ તે ચાલવા લાયક નહીં હોવાથી લોકો રસ્તાઓ પર ચાલતા હોય છે.

પાલિકાએ 2023-24ના બજેટમાં ‘પેડસ્ટ્રિયન ફર્સ્ટ’ ‘પાદચારી પ્રથમ’ નીતિ જાહેર કરી હતી, તેમાં શહેરના બધા રસ્તા પર ફૂટપાથ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય હતો. પાલિકા દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા રસ્તાઓને અડીને ફૂટપાથ બાંધવાનું કામ હાથ ધરશે તેમ જ નવી ફૂટપાથો બાંધશે તેમ જ દેખરેખથી વંચિત રહેલી કે ઉખડી ગયેલી ફૂટપાથોની દુરસ્તી પણ પાલિકા કરવાની હતી, પણ આ પછી શું થયું તેના પર અનેક પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત થયાં છે. ફૂટપાથ બાંધવા માટે ઓછામાં ઓછા નવ મીટર પહોળાઈના નાના રસ્તાઓ નિશ્ચિત કરવામાં આવ્યા હતા. આ પછી પાલિકાએ વૉર્ડ અનુસાર તેની યાદી પણ તૈયાર કરવાની હતી. મુંબઈની વસ્તી દિન-પ્રતિદિન વધતી જાય છે. અહીં રોજ  નવી નવી ઈમારતો બંધાય છે, નવી માર્કેટો-મૉલ ખૂલે છે, શૉ રૂમોની ભરમાર છે, પરંતુ વસ્તીને લક્ષમાં લેતાં ફૂટપાથો નથી. શહેરના અને પરાંના કેટલાક વિસ્તારોમાં તો ફૂટપાથ જ નથી. હવે પાલિકાની ફૂટપાથ અંગેની નવી નીતિ ફૂટપાથ પર ચાલવા મુંબઈગરાને કેટલી કારગત નીવડે છે તે જોવું રહ્યું.