• સોમવાર, 17 માર્ચ, 2025

કૉંગ્રેસના ભવિષ્યનો પ્રશ્ન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પછી આવેલા ‘એક્ઝિટ પોલ’ અનુમાનોમાં અધિકાંશ એજન્સીઓએ ભાજપની સરકાર બનવાના સંકેત આપ્યા છે. 11માંથી 8 એજન્સીઓએ ભાજપને સાદી બહુમતી મળવાનું અનુમાન કર્યું છે. ફક્ત બે એજન્સીઓએ આમ આદમી પક્ષની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરી છે. કૉંગ્રેસને વધુમાં વધુ ત્રણ બેઠકો મળવાની ધારણા છે. એક્ઝિટ પોલમાં કૉંગ્રેસને બેઠક નથી પણ વોટ ટકાવારી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુમાનોમાં સૌથી વધુ નુકસાન શાસક આમ આદમી પક્ષને થઈ રહ્યું છે, જે વર્ષોથી સત્તામાં છે.

દિલ્હી ભાજપ માટે વધુ મહત્ત્વનું રાજ્ય છે, જ્યારે આમ આદમી પક્ષ માટે જીવનમરણનો પ્રશ્ન અને કૉંગ્રેસ માટે બિલકુલ નવી શરૂઆત છે. ત્રણે પક્ષોએ મતદાતાઓને લોભાવવા માટે લગભગ એક સરખા આશ્વાસનો આપ્યાં છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020માં મતદાન ટકાવારી 62.82 હતી. આ વેળા પણ મતદાનના આંકડા પ્રમાણમાં ઓછા છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ 67.47 ટકા વોટ પડÎા હતા. 2013માં પણ જ્યારે વૈકલ્પિક રાજનીતિના દાવા સાથે આમ આદમી પક્ષ પ્રવેશ થયો હતો ત્યારે 66.02 ટકા મતદાન થયું હતું. અને ફક્ત એક વર્ષ પહેલાં ગઠિત થયેલા આમ આદમી પક્ષને પહેલીવાર 28 બેઠકો હાસલ થઈ હતી અને ત્યાર પછી પક્ષે પાછા વળીને જોયું નથી. સત્તાથી બહાર થયેલી કૉંગ્રેસે આમ આદમી પક્ષને સરકાર બનાવવામાં સમર્થન આપીને કદાચ ભૂલ કરી હતી. પરિણામ એ આવ્યું કે તે સરકાર પણ જલદી તૂટી ગઈ અને 2015 અને 2020ની ચૂંટણીમાં કૅંગ્રેસ અહીં પોતાનું ખાતું પણ ખોલી નહીં શકી. શું આ વેળા કૉંગ્રેસ દિલ્હીમાં ખાતું ખોલાવી શકશે? ભાજપ છેલ્લા ત્રણ દશકામાં દિલ્હીમાં શક્તિશાળી બની છે, પરંતુ અહીં તે છેલ્લી વિધનાસભા ચૂંટણી 1993માં જીતી શકી હતી. છેલ્લી બે ટર્મની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ક્રમશઃ ત્રણ અને આઠ બેઠકો પર જીત મળી હતી. ભાજપ માટે ચિંતાનો વિષય છે કે જે લોકો તેને લોકસભા ચૂંટણીમાં ભરપૂર વોટ આપે છે પણ તેઓ વિધાનસભા ચૂંટણીમાં શા માટે દૂર ચાલ્યા જાય છે? દિલ્હીના લોકોને સ્થાનિક શાસન માટે અરવિંદ કેજરીવાલ અને દેશમાં નરેન્દ્ર મોદી જોઈએ, પણ શું આ વખતે દિલ્હીનું રાજકારણ બદલાશે? દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ લોકસભાની ચૂંટણી હોય એવી ઉત્તેજના જગાવી હતી. વિશેષ કરીને ઇન્ડિ મોરચામાં સામેલ હોવા છતાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવા બાબત ગંભીર મતભેદ થયા. કેજરીવાલે ‘આપ’ના પોસ્ટરોમાં રાહુલ ગાંધીને ભ્રષ્ટાચારી નેતાઓની યાદીમાં મૂક્યા પછી રાહુલ ગાંધીએ કેજરીવાલ ઉપર આક્રમક પ્રહાર કર્યા છે.

હવે શનિવારે પરિણામ જાહેર થાય ત્યારે ‘આપ’ના ભવિષ્ય કરતાં કૉંગ્રેસ અને તેના મોરચામાં રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર વધુ પ્રશ્નો પુછાશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ