ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશન, ઍસોસિયેશનને જવાબ આપવા ચાર સપ્તાહનો સમય
નવી દિલ્હી, તા. 18 : દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે સોમવારે જણાવ્યું હતું કે, મીડિયા માટે સ્વનિયમન જરૂરી છે. આ વાત અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ. ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસીએશન (એનબીએ)ના બોમ્બે હાઈકોર્ટના ફેંસલાને પડકારતી અરજીની સુનાવણી વખતે ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, એનબીએ અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશન (એનબીએફ)માં સ્વ નિયામક તંત્ર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ બંને સંસ્થાને જવાબ દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય અપાયો છે, પછી મામલાની સુનાવણી થશે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશન જ એક એસોસીએશન છે, જેણે નોંધણી કરાવી છે, જ્યારે એનબીએ દ્વારા ઈન્કાર કરાયો છે. એનબીએના વકીલ અરવિંદ દાતારે જણાવ્યું હતું કે, અમે જસ્ટિસ સિકરી અને જસ્ટિસ રવીન્દ્રન સાથે મુલાકાત કરી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું હતું કે, આપણે નોંધણીના મુદ્દા પર પછી વિચાર કરીશું. એનબીએફ પાસે સ્વનિયમનના નિયમ હોય તો રજૂ કરો.