• બુધવાર, 17 એપ્રિલ, 2024

ચોમાસા માટે જોવી પડશે વધુ રાહ : હવામાન વિભાગ  

નવી દિલ્હી, તા. 5 : જુન મહિનો શરૂ થવાની સાથે જ લોકો દ્વારા ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે. આ અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે કેરળમાં ચાર જુનના રોજ મોન્સુનની એન્ટ્રી થઈ જશે. જો કે હવામાન ખાતાની ભવિષ્યવાણી સાચી ઠરી નથી. આ દરમિયાન નવા અપડેટમાં હવે કહેવામાં આવ્યું છે કે નેઋઍત્યના ચોમાસા માટે અનુકુળ માહોલ બની રહ્યો છે. જેના પરિણામે સાતમી જુન આસપાસ કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે. 

દિલ્હી એનસીઆર, યુપી, હરિયાણા સહિતના દેશના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં વર્તમાન સમયે ગરમીમાં રાહત છે. મે મહિનામાં ગરમી એટલી ઓછી હતી કે 100 વર્ષમાં પહેલી વખત મે મહિનામાં તાપમાન ઓછું રહ્યું હતું. આટલું જ નહી જુન મહિનાના શરૂઆતી દિવસ પણ આરામદાયક જ પસાર થયા છે. જો કે હવે આગામી સમયમાં ગરમી વધી શકે છે. ચોમાસામાં વિલંબ તેનું કારણ હોઇ શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કેરળમાં સાતમી જુન સુધીમાં ચોમાસું પહોંચશે. સામાન્ય રીતે કેરળમાં મોન્સુનની એન્ટ્રી પહેલી જુન સુધીમાં થાય છે. આવી રીતે ચાલુ વર્ષે ચોમાસામાં એક અઠવાડીયાનો વિલંબ થયો છે.

આ પહેલા હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું હતું કે ચાર જુન સુધીમાં ચોમાસું બેસી જશે. જે તારીખ ચાલી ગઈ છે અને હજી પણ કેરળના તટ ઉપર ચોમાસાની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે નવી ભવિષ્યવાણી કરતા સાતમી જુનનું અનુમાન વ્યક્ત કર્યું છે. વિભાગના કહેવા પ્રમાણે મોન્સુનની એન્ટ્રીમાં વધુ ત્રણ દિવસનો વિલંબ થશે. સાથે એવું અનુમાન પણ છે કે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા નબળું રહેશે પણ  મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ થશે. આ દરમિયાન બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત પુર્વી રાજ્યોમાં હિટવેવ પરત ફરી છે. આ સાથે હવામાન વિભાગે અમુક રાજ્યમાં ભારે વરસાદની પણ ચેતવણી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ, હરિયાણા, યુપી અને ઉત્તરાખંડના મેદાની વિસ્તારમાં વાતાવરણ સુકું રહેશે. જ્યારે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં આગામી પાંચ દિવસ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. 

સોમવારે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર દક્ષિણ અરબ સાગરથી ઝડપી બનેલા પશ્ચિમના પવનથી સ્થિતિ અનુકુળ લાગી રહી છે. મોન્સુનના હિસાબે આ સારા અહેવાલ છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં વાદળો છવાયેલા છે. એવું લાગે છે કે ત્રણ ચાર દિવસમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે.