• સોમવાર, 04 માર્ચ, 2024

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રનું વચગાળાનું બજેટ?

2019ની જેમ આ વખતે પણ 

નવી દિલ્હી, તા.28 : નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. જોકે, સરકારે આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. પરંતુ સામાન્ય રીતે, જે વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાય છે, તે વર્ષમાં વર્તમાન સરકાર પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરે છે. તેમજ ચૂંટણીના પરિણામો બાદ નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. 

અગાઉ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું કારણ કે તત્કાલિન નાણાપ્રધાન અરુણ જેટલી સારવાર અર્થે વિદેશ ગયા હતા. ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર રચાયા બાદ પાંચમી જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 

વચગાળાના બજેટ દ્વારા સંપૂર્ણ બજેટ પાસ ન થાય, ત્યાં સુધી સરકારના ખર્ચનું સંચાલન કરવામાં આવે છે. પરંતુ તેમાં સમગ્ર વર્ષનું ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ સામેલ હોય છે. સરકાર સમગ્ર નાણાકીય વર્ષ માટે ખર્ચ અંદાજ રજૂ કરે છે. તેમાં સરકારને ટેક્સ દ્વારા કેટલી રકમ મળશે, તેનો અંદાજ પણ સામેલ હોય છે. આ ઉપરાંત સરકારના વિવિધ મંત્રાલયોના ખર્ચ માટે ફાળવણી કરે છે. ઘણી વખત વચગાળાના બજેટની દરખાસ્તો અને સંપૂર્ણ બજેટની દરખાસ્તો વચ્ચે તફાવત હોય છે. 

ચૂંટણીના પરિણામો પહેલા તે જાણી શકાતું નથી કે કઈ પાર્ટી નવી સરકાર બનાવશે, જેથી સરકાર ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરે છે. 

માનવામાં આવે છે કે ચૂંટણી પરિણામો પછી નવી રચાયેલી સરકાર પોતાના અનુસાર નાણાંકીય વર્ષના બાકીના મહિનાઓ માટે બજેટ રજૂ કરશે.