• સોમવાર, 04 માર્ચ, 2024

કરણના શૉમાં મહેમાન બન્યાં રાની અને કાજોલ

બૉલીવૂડના પ્રખ્યાત ફિલ્મકાર કરણ જોહર તેના રિયાલિટી ચૅટ શૉ `કૉફી વિથ કરણ'ની આઠમી સિઝનને લઈને ચર્ચાનું કારણ બની રહ્યો છે. શૉમાં સેલિબ્રિટી ગેસ્ટ તેમના અંગત અને પ્રોફેશનલ રહસ્યો છતાં કરે છે ત્યારે આગામી એપિસોડમાં કાજોલ અને તેના કાકાની દીકરી રાની મુખરજી મહેમાન બનીને આવવાની છે. શૉના પ્રોમોમાં બંને બહેનો કરણ સાથે મસ્તી કરતી જોવા મળી હતી. 

નોંધનીય  છે કે કાજોલ, રાની અને કરણે 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ `કુછ કુછ હોતા હૈ'માં સાથે કામ કર્યું હતું. 

ત્રણેયની કેમિસ્ટ્રી અૉનક્રીન અને અૉફ્ફક્રીન ખૂબ જ સારી છે ત્યારે કરણના શૉમાં બંને બહેનોએ કેટલાક અંગત રહસ્યો છતાં કર્યાં હતાં. કરણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રોમોનો વીડિયો શેર કર્યો હતો  જેમાં રાની મુખરજી કહે છે કે, હું કરણ જોહરના આ શૉમાં તેને જ એક્સપોઝ કરવા આવી છું. આ સાંભળીને કરણ આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે કાજોલે કરણની મસ્તી કરતાં કહ્યું હતું કે, હવે મને આ શૉમાં મજા આવી રહી છે. 

વાતચીત દરમિયાન કરણ એક મજેદાર કિસ્સો શેર કરતાં જણાવે છે કે, મને યાદ છે કે `કુછ કુછ હોતા હૈ' ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મારા પિતા મહેબૂબ સ્ટૂડિયોની બહાર રોડ પર ઊભા રહીને વાત કરી રહ્યા હતા. તે સમયે સંજય દત્તે પૂછ્યું હતું કે, યશજી તમે અહીં રોડ પર શું કરી રહ્યા છો. તો મારા પિતાએ રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો કે મારા દીકરાએ સેટ લગાવ્યો હોવાથી હું રસ્તા પર આવી ગયો છું. કરણના શૉનો આગામી એપિસોડ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર 30મી નવેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવશે.