• બુધવાર, 29 નવેમ્બર, 2023

આ સપ્તાહમાં જોરદાર રસાકસી વચ્ચે બજારનું વલણ સકારાત્મક રહેશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 19 : વિક્રમ સંવત 2080ના પ્રારંભમાં ભારતીય શૅરબજારોએ સકારાત્મક વલણ સાથે તેજીનો અસલી રંગ દર્શાવ્યો હતો. સતત ત્રીજા સપ્તાહમાં બજારો વધીને બંધ રહ્યાં હતાં. ભારત તથા અમેરિકામાં ફુગાવો ઘટયો, એફઆઈઆઈની નવી લેવાલી શરૂ થઈ, ક્રૂડતેલના ભાવ ઘટયા, અમેરિકન બોન્ડના વળતર ઘટયાં અને વૈશ્વિક મધ્યસ્થ બૅન્કો હવે વ્યાજદર વધારશે નહીં અને આગામી વર્ષમાં ઘટાડી પણ શકે તેવા એક પ્રચંડ આશાવાદને કારણે વૈશ્વિક બજારો અને ભારતીય બજારોમાં તેજીનો તરવરાટ જોવા મળ્યો હતો.

17 નવેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં સેન્સેક્ષ 890.05 પૉઈન્ટ્સ (1.37 ટકા) વધીને 65,794.73 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફટી 306.45 પૉઈન્ટ્સ (1.57 ટકા) વધીને 19,731.80 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

આઈટી અને ફાર્મા જેવા નિકાસ ઉપર આધારિત ક્ષેત્રોના શૅરોમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. તહેવારોની સિઝનને કારણે અૉટો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના શૅરો પણ વધવાતરફી હતા. આમ છતાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ અનસિક્યોર્ડ લોન પર નિયંત્રણો જાહેર કરતાં શુક્રવારે બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બૅન્કો અને નોન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને ટૂંકા ગાળા માટે નકારાત્મક અસર થઈ છે. આગામી સમયમાં નિફટી માટે 19,800-19,900નું તાત્કાલિક રેઝિસ્ટન્સ રહેશે અને 19,600-19,500નો સપોર્ટ રહેશે.

વિકલી ઓપ્શનના મોરચે 19,800ની સ્ટ્રાઈક પ્રાઈસ ઉપર સૌથી વધુ કોલ ઓપન ઈન્ટરેસ્ટ છે અને ત્યાર બાદ 19,900ની સ્ટ્રાઈક પ્રાઈસ ઉપર કોલ રાઈટિંગ છે.

જ્યારે બીજી તરફ 19,700ની સ્ટ્રાઈક પ્રાઈસ ઉપર સૌથી વધુ પુટ ઓપન ઈન્ટરેસ્ટ છે અને ત્યાર બાદ 19,600 અને 19,500ની સ્ટ્રાઈક પ્રાઈસ ઉપર પુટ ઓપ્શન છે.

ચાવીરૂપ ક્ષેત્રોમાં બૅન્ક નિફટી સૌથી વધુ ઘટી હતી. શુક્રવારે બૅન્ક નિફટી 577.60 પૉઈન્ટસ (1.31 ટકા) ઘટીને 43,583.95 પૉઈન્ટ્સ ઉપર બંધ રહી હતી. બૅન્ક નિફટી માટે હવે 43,300-43,250નો સપોર્ટ છે. તેનાથી ઉપર રહેશે તો બૅન્ક નિફટી ફરીથી 44,000 તરફ આગળ વધશે. કોઈ સંજોગોમાં બૅન્ક નિફટી તેનું 43,300-43,250નું સપોર્ટ લેવલ તોડશે તો બૅન્કિંગ ક્ષેત્રની વેચવાલી વધશે. ગત સપ્તાહમાં બીએસઈ લાર્જકૅપ ઈન્ડેકસ 1.6 ટકા, મિડકૅપ ઈન્ડેકસ 2.5 ટકા અને સ્મોલકૅપ ઈન્ડેક્સ ત્રણ ટકા વધ્યો હતો.

આ સપ્તાહમાં બજારમાં વધઘટે એકંદરે સકારાત્મક વલણ રહેવાની ધારણા છે. સટ્ટાકીય કામ કરીને સમગ્ર બજારની લે-વેચ કરવા કરતા પણ પસંદગીના શૅરમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી નફો મળી શકે છે.

આ સપ્તાહમાં છ કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે. તાતા ટેક્નૉલૉજી, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સ (ઈરડા), ગાંધાર ઓઈલ રિફાઈનરી ઇન્ડિયા, ફેડબૅન્ક ફાઈનાન્સિયલ સર્વિસીઝ, ફલેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ અને રોકિંગ ડિલ્સ સર્ક્યુલર ઈકોનોમીના આઈપીઓ છે.

છેલ્લા ઘણા સમયથી પસંદગીના પબ્લિક ઈસ્યૂમાં એકંદરે લોકોને સારું વળતર મળ્યું છે એટલે હાલમાં વધુને વધુ લોકો પબ્લિક ઈસ્યૂ ભરતા થયા છે.