• સોમવાર, 04 માર્ચ, 2024

એસઍન્ડપીએ નાણાવર્ષ 2024-25 માટે દેશના જીડીપીનો અંદાજ વધારીને 6.4 ટકા કર્યો 

રિટેલ ફુગાવાનો દર આરબીઆઈની ટોચમર્યાદાની નીચે રહેવાની ધારણા

નવી દિલ્હી, તા. 27 : એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્સે નાણાવર્ષ 2023-24 માટે ભારતના જીડીપીનો વૃદ્ધિદરનો અંદાજ અગાઉના છ ટકાથી વધારીને 6.4 ટકા જાહેર કર્યો છે. જોકે, નાણાવર્ષ 2025માં જીડીપીના વિકાસદરનો અંદાજ 0.5 ટકા ઘટાડીને 6.4 ટકા કર્યો છે. 

વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં એશિયા-પેસેફિક વિસ્તારના આર્થિક ભાવિ વેશે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં એસઍન્ડપીએ જણાવ્યું છે કે અમે ભારતના અર્થતંત્રના વિકાસદરનો અંદાજ છ ટકાથી વધારીને 6.4 ટકા કર્યો છે. નબળી નિકાસ અને ઊંચા ખાદ્યાન્ન ફુગાવા છતાં તેની અસરને ભારતીય અર્થતંત્રએ પચાવી લીધી હોવાથી તેના વૃદ્ધિદરનો અંદાજ વધારવામાં આવ્યો છે. 

નાણાવર્ષ 2024 દરમિયાન ફુગાવા વિશે આ એજન્સીએ જણાવ્યું છે કે આગામી નાણાવર્ષ દરમિયાન રિટેલ ફુગાવાની સરેરાશ 5.5 ટકા રહેશે, જે આરબીઆઈની ટૉચમર્યાદા કરતાં હેઠળ ગણાશે. નાણાવર્ષ 2025 દરમિયાન રિટેલ ફુગાવો 4.5 ટકાના સ્તરે રહેવાની ધારણા એસઍન્ડપીએ વ્યક્ત કરી છે. 

ગયા જુલાઈ માસમાં રિટેલ ફુગાવો 7.4 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.તે પછી રિટેલ ફુગાવામાં ઘટાડો થયો હતો. અને ગયા અૉક્ટોબર મહિનામાં ફુગાવો 4.9 ટકા નોંધાયો હતો. ગત નાણાં નીતિની ઘોષણા સમયે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે નાણાવર્ષ 2024 દરમિયાન રિટેલ ફુગાવાનો દર 5.4 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 6.4 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 5.6 ટકા અને અને ચોથા ત્રિમાસિક ગાળામાં રિટેલ ફુગાવાનો દર 5.2 ટકા સુધી રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. 

એસઍન્ડપીના અહેવાલમાં રેપોરેટ નાણાવર્ષ દરમિયાન 6.5 ટકા રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. નાણાવર્ષ 2025ના અંત સુધીમાં રેપોરેટ ઘટીને 5.5 ટકા અને નાણાવર્ષ 2026ના આખર સુધી 5.25  ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 

એકંદરે ભારતનો વિકાસદર મજબૂત સ્થાનિક માગને અનુસરીને અને વિકસતાં દેશોની ઊંચી માગના કારણે આ વર્ષે અને આવતા વર્ષે  વિકાસદર જળવાઈ રહેશે, એમ એસઍન્ડપીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.