• સોમવાર, 04 માર્ચ, 2024

ક્રૂડ અૉઇલની આયાતમાં 2.5 ટકાનો ઘટાડો : સ્થાનિક ઉત્પાદન વધ્યું 

ઇબ્રાહિમ પટેલ તરફથી 

મુંબઈ, તા. 28 : દેશનું માસિક ક્રૂડ ઓઇલ ઉત્પાદન 2.2 ટકા વધીને 2.5 લાખ ટનની ઊંચાઈએ પહોંચ્યું છે. ઓઇલ એન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશન, ઓઇલ ઈન્ડિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઉત્પાદન વૃદ્ધિ શ્રેષ્ઠ જોવા મળી હતી. પરિણામે સરકારી ડેટા મુજબ દેશની કુલ આયાત જવાબદારીમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર છ માસિકગાળામાં ક્રૂડ ઓઇલ આયાતમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નેચરલ ગૅસ અને ક્રૂડ ઓઇલનું અૉકટોબર આયાત બિલ 9.8 અબજ ડૉલર થયું હતું, ગત વર્ષે સમાનગાળામાં આ આયાત બિલ 15.8 અબજ ડૉલરનું હતું. દરમિયાન, જુલાઈમાં ભારતે 4.1 અબજ ડૉલરનું ક્રૂડ ઓઇલ નિકાસ કર્યું હતું. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા જોવાયા હતા. એનર્જીના ભાવની ઊથલપાથલ સમતોલ રહેતાં બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ વાયદાના ભાવ સતત પાંચ સપ્તાહથી ઘટી રહ્યા છે. શુક્રવારે નાયમેક્સ આઇસીઇ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફેબ્રુઆરી વાયદો 1.46 ટકા ઘટીને 80.23 ડૉલર અને ડબલ્યુટીઆઈ જાન્યુઆરી 2.5 ટકા ઘટી 75.17 ડૉલર મુકાયો હતો. મધ્યપૂર્વની ઘટનાઓ અને ભૂ-રાજકીય પ્રતિક્રિયાએ પણ ઊર્જા બજારમાં પોતાની ભૂમિકા કરી હતી.     

ગાઝા અને ઈઝરાયલ તરફથી કેટલાક લોકોની સામસામી જેલમુક્તિને પગલે ભૂ-રાજકીય ચિંતાઓ હળવી થવાને લીધે બજારમાં જોખમ પ્રીમિયમ ઘટ્યું હતું, તેથી પણ ભાવની વધઘટ સંકડાઈ ગઈ હતી. 26થી 30 નવેમ્બર સુધી પુન:નિર્ધારિત ઓપેક પ્લસ દેશોની માટિંગ પર હવે બજારની નજર મંડાઇ છે. તાજેતરની બજાર ચર્ચાઓ એવા સંકેત આપે છે કે ખાસ કરીને આફ્રિકન દેશો અંગોલા અને નાયઝીરિયાના ઉત્પાદન સ્તર જાળવી રાખવાની શક્ય સહમતિ સધાઈ જશે. 

ઓપેક પ્લસ દેશો કેવો વ્યૂહ અપનાવે છે, તે સંદર્ભની અફવાઓ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ઓપેક ગ્રુપ આસપાસ મહત્વનો મુદ્દો એ ચર્ચાય છે કે આ સંગઠન વર્તમાન ઉત્પાદન સ્તર જાળવી રાખશે કે તેમાં વધારે કાપ કરશે. વધુમાં એવી પણ ચર્ચા છે કે સાઉદી અરેબિયા તેનો દૈનિક 10 લાખ  બેરલ વર્તમાન સ્વૈચ્છિક ઉત્પાદન કાપ હિસ્સો જાળવી રાખશે કે નહીં. અલબત્ત, અમેરિકાનો વધી રહેલો ક્રૂડ ઓઇલ સ્ટોક, તેમ જ જાગતિક માગ પુરવઠાની બદલાયેલી સ્થિતિ વચ્ચે બજારનો આંતરપ્રવાહ મંદીમાં જઈ રહ્યો છે, ત્યારે ઉત્પાદન બાબતે નિર્ણયો લેવાનો મુદ્દો ગહન છે. 

વિશ્વમાં નિર્માણ પામેલી અનિશ્ચિતતા વચ્ચે જગતની મહત્તમ કરન્સીઓ સામે ડૉલરની મજબૂતાઈ સાથે ભારત સરકારને આયાત બિલ નિયંત્રિત કરવું જરૂરી બન્યું હોવાથી એનાલિસ્ટો કહે છે કે ભારતમાં ઉત્પાદન વૃદ્ધિના સમાચાર રાહતદાયી બની ગયા છે. એવું માનવામાં આવે છે કે રશિયા તરફથી રાહત દરે આયાત થતું ઓઇલ તે સાથે જ સ્થાનિક ઉત્પાદન વધતાં દેશની વેપાર ખાધમાં પણ સુધારો જોવા મળશે. 

બજારમાં વૈશ્વિક અર્થતંત્રોની સ્થિતિ સંદર્ભે ખાસ કરીને ચીનથી આવતા સમાચારોને લઈ વ્યાપક ચર્ચાઓ આરંભાઈ છે. તાજેતરમાં ચીન સરકારે બાંધકામ ક્ષેત્રે કરેલી મધ્યસ્થી અને તાજેતરના આર્થિક આંકડા ટૂંકાગાળાના ઓઇલના ભાવ પ્રવાહો પર સકારાત્મક છાપ ઉપસાવી છે. જોકે 2024ના પ્રથમ છમાસિકમાં માગ વૃદ્ધિ સારી એવી ધીમી પાડવાની આશંકાઓ લાંબાગાળાના ભાવ પ્રવાહ માટે સાવચેતી રાખવી જોઈશે. ઓપેક સિવાયના દેશોમાં વેગથી વધતું ઉત્પાદન, ખાસ કરીને બ્રાઝીલના પેટ્રોબાસનું ઉત્પાદન બજારને નવી દિશાદોર પ્રદાન કરશે.