• સોમવાર, 04 માર્ચ, 2024

પ્રજ્ઞાચક્ષુ કૅન્સર દર્દીએ જલદી સાજા થવાના સ્કેમમાં 50 લાખ ગુમાવ્યા

મુંબઈ, તા. 28 : પ્રજ્ઞાચક્ષુ કૅન્સર દર્દી અને તેમનાં પત્ની સાથે નકલી ડૉક્ટર સહિત ત્રણ જણે રૂપિયા 50 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ ધાતુની ક્યુબનો ઉપયોગ કરીને `સકસન પ્રોસેસ' દ્વારા બીમારીનો ઈલાજ કરવાની ઓફર કરી હતી. આટલું જ નહીં પરંતુ 65 વર્ષના દર્દીની હાલત આ `સારવાર' બાદ વધુ બગડી હતી. 

કસ્તૂરબા માર્ગ પોલીસે ત્રણ આરોપીઓ સામે એફઆઈઆર નોંધી હતી અને તેમની શોધખોળ શરૂ કરી હતી. દર્દી નિવૃત્ત એન્જિનિયર છે અને તેમની 63 વર્ષની પત્ની અને માતા સાથે પશ્ચિમના ઉપનગરમાં રહે છે. તેને 2015માં એપિલેપ્ટીક હુમલો આવ્યો હતો તેને કારણે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી તેમ જ ડાબો હાથ પણ અડધો કામ કરતો બંધ થઈ ગયો હતો. બોરીવલીની હૉસ્પિટલ ખાતે સારવાર લેવાની સાથે સાથે તેણે કોલકાતા ખાતે હોમિયોપથી સારવાર પણ લીધી હતી. આ ઉપરાંત કેરળ ખાતે આયુર્વેદિક સારવાર લીધી હતી પરંતુ કોઈ ફાયદો થયો ન હતો.

27 અૉક્ટોબરના આ દંપતી પુણે જતી વખતે ખાલાપુરના ફૂડ પ્લાઝા ખાતે રોકાયું હતું. ત્યાં એક અજાણ્યો શખસ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ રાહુલ બજાજ તરીકે આપી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે, તેની માતા એક વર્ષ પથારીવશ હતી પરંતુ અમદાવાદના ડૉક્ટર પટેલની સારવાર બાદ તે ઠીક થઈ ગઈ હતી. તેણે દર્દીની પત્નીને પોતાનો ફોન નંબર આપ્યો હતો. દર્દીની પત્નીએ ત્યારબાદ ડૉક્ટર પટેલનો સંપર્ક કર્યો હતો. તેણે દર્દીની સ્થિતિ વિષે વિડીયો માગ્યો હતો અને મેટલ ક્યુબ સકસન દ્વારા દર્દીને ઠીક કરી દેવાનો દાવો કર્યો હતો.

10 નવેમ્બરના ડૉ. પટેલ અને તેનો મદદનીશ ઈમરાન દર્દીના ઘરે આવ્યા હતા. તેણે સકસન દ્વારા પસ બહાર કાઢવાની સારવાર શરૂ કરી હતી અને પ્રત્યેક સકસનનો રૂપિયા 8000નો ચાર્જ લગાડયો હતો. તેણે 644 વખત સકસન પ્રક્રિયા (શરીરમાંથી પસ બહાર ખેંચી લેવાની) કરી હતી અને પસના નમૂનાનું પરીક્ષણ કરવાનું કહ્યું હતું તેમ જ એક પાઉડર આપવાનું વચન આપ્યું હતું જેનાથી દર્દીને તરત જ રાહત થશે. ડૉ. પટેલે તેના આસિસ્ટન્ટ ઈમરાનને રૂપિયા 50 લાખ ચૂકવવાનું કહીને ચાલતી પકડી હતી. દર્દીની પત્નીએ થોડા દિવસોમાં હપ્તાઓથી આ રકમ ચૂકવી હતી. 21 નવેમ્બરના દર્દીની હાલત વધુ ખરાબ થઈ હતી. દર્દીની પત્નીએ ડૉ. પટેલ અને ઇમરાનનો સંપર્ક કર્યો હતો જેમણે ગલ્લાંતલ્લાં કર્યા હતા અને ફોન લેવાનું બંધ કર્યું હતું.

ગયા સપ્તાહમાં ક્રાઈમ બ્રાંચે આ જ મોડેસ ઓપરેન્ડી ચલાવતી ગૅંગનો પર્દાફાશ કર્યો હતો. પકડાયેલા ચાર આરોપીઓનો એક પોતાને યુનાની ડૉક્ટર કહે છે જે દર્દીના શરીર પર કાપા પાડે છે અને પસ બહાર કાઢવાનો દાવો કરે છે અને આ રીતે સારવાર કરવાની ખાતરી આપે છે.