• શનિવાર, 20 એપ્રિલ, 2024

અમેરિકી યુવા ખેલાડી કોકો ગોફની ફ્રેંચ ઓપનમાં આગેકૂચ

રૂડ અને જ્વેરેવ ત્રીજા રાઉન્ડની જીત સાથે પ્રી. ક્વાર્ટર ફાઇનલમાં 

પેરિસ, તા.4 : અમેરિકાની 19 વર્ષીય કોકો ગોફ ફ્રેંચ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટના મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. કોકો ગોફે બીજા રાઉન્ડમાં 16 વર્ષીય રૂસી ખેલાડી મીરા આંદ્રીવાને 6-7, 6-1 અને 6-1થી હાર આપી હતી. ગોફ ગયા વર્ષે ફ્રેંચ ઓપનમાં રનર્સ અપ રહી હતી. 

પુરુષ સિંગલ્સમાં ગત વર્ષના ફાઇનલિસ્ટ કેસ્પર રૂડનો ત્રીજા રાઉન્ડમાં ચીનના ખેલાડી ઝાંગ ઝિજેન સામે 4-6, 6-4, 6-1 અને 6-4થી વિજય થયો હતો અને પ્રી. ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઝાંગ ઝિજેન 1937માં ખો સિન પછી રોલાન્ડ ગેરોસ પર ત્રીજા રાઉન્ડમાં પહોંચનારો પહેલો ચીની ખેલાડી બન્યો હતો. શનિવારે મોડી રાત્રે રમાયેલા ત્રીજા રાઉન્ડના અન્ય એક મેચમાં જર્મન ખેલાડી એલેકઝાંડર જ્વેરેવનો અમેરિકી ખેલાડી ફ્રાંસેસ ટિયાફો વિરૂધ્ધ રસાકસી બાદ 3-6, 7-6, 6-1 અને 7-6થી વિજય થયો હતો. પ્રી ક્વાર્ટરમાં તેની ટકકર બલ્ગેરિયના ખેલાડી ગ્રિગોર દિમોત્રિવ સામે થશે.

બીજી તરફ મહિલા વિભાગમાં ચોથા ક્રમની ખેલાડી એલેના રિબાકિનાએ શ્વાસ સંબંધી બિમારીને લીધે ટુર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો.