• બુધવાર, 29 નવેમ્બર, 2023

વિશ્વ વિજેતા બનવાથી ભારત એક જીત દૂર : કાલે અૉસ્ટ્રેલિયા સામે ફાઇનલ ટક્કર

સેમિમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને અને અૉસ્ટ્રેલિયાએ દ. આફ્રિકાને હાર આપી

અમદાવાદ, તા.17 : ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદના આંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સવા લાખથી વધુ દર્શકોની ઉપસ્થિતિ અને પીએમ મોદી સહિતના વિશેષ ગણમાન્ય હસ્તીઓની હાજરીમાં આઇસીસી વન ડે વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાશે. ટીમ ઇન્ડિયા લીગ રાઉન્ડમાં અજેય રહયા બાદ સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 70 રને હાર આપીને ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો બીજા સેમિ ફાઇનલમાં દ. આફ્રિકા સામે 3 વિકેટે રોમાંચક વિજય થયો હતો. ખિતાબી જંગમાં રોહિતસેના ઓસ્ટ્રેલિયા પર ફેતહ હાંસલ કરીને 20 વર્ષ પહેલાના દર્દના હિસાબની બરાબરી કરશે. 2003ના વર્લ્ડ કપના ફાઇનલમાં સૌરવ ગાંગુલીની ટીમને રીકિ પોન્ટિંગની ટીમને હાર આપી હતી. આ પછી બન્ને ટીમ પહેલીવાર વિશ્વ કપના ફાઇનલમાં ટકરાશે ત્યારે આ મુકાબલો હાઇ વોલ્ટેજ બની રહેશે. જો કે ભારતીય ટીમના વર્તમાન વિશ્વ કપના ધમાકેદાર દેખાવથી જીતની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે.

જો કે આઇસીસી વન ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત પર ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે. વિશ્વ કપમાં બન્ને ટીમની 13 મેચમાં ટક્કર થઇ છે. જેમાં 8 મુકાબલામાં ઓસ્ટ્રેલિયાનો અને પ મેચમાં ભારતનો વિજય નોંધાયો છે. વન ડે ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે 150 મેચ રમાયા છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 83 અને ભારતીય ટીમે 57 મુકાબલામાં જીત મેળવી છે. 10 મેચ અનિર્ણિત રહ્યા છે. આંકડા ભલે ઓસ્ટ્રેલિયાના પક્ષમાં છે, પણ ટીમ ઇન્ડિયા હાલ જે શાનદાર ફોર્મમાં રમી રહી છે. તે જોતા કાંગારૂ ટીમની હાર લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

અમદાવાદની પિચ બેટિંગ અને સ્પિન ફ્રેન્ડલી છે. જેનો ફાયદો ભારતને મળશે. કારણ કે કાંગારૂ બેટધરોની કમજોરી સ્પિન બોલિંગનો સામનો કરવો છે. દ. આફ્રિકા સામેના સેમિ ફાઇનલમાં પણ ઓસિ. બેટર્સ સ્પિન જાળમાં ફસાયા હતા. 

આ ઉપરાંત આગઝરતી બોલિંગ કરી રહેલ મોહમ્મદ શમીનો સામનો કરવો કાંગારૂ બોલરો માટે ઘણો કઠિન બની રહેશે. શમીએ સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 7 વિકેટ ઝડપી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ 19 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાંથી 11 મેચમાં જીત અને 8 મેચમાં હાર મળી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ અહીં 4 મેચમાંથી બેમાં જીત મેળવી શકી છે. નમો સ્ટેડિયમમાં સરેરાશ સ્કોર 260 રનનો છે.