• બુધવાર, 24 એપ્રિલ, 2024

નવનિર્મિત સંસદના ઉદ્ઘાટનનો કાર્યક્રમ જાહેર  

નવી દિલ્હી, તા.25: નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેનાં રોજ કરશે. સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમ અનુસાર બપોરે 12 વાગ્યે મોદી સંસદનું ઉદ્ઘાટન કરશે પણ તે પહેલા સવારે 7 વાગ્યાથી હવન પૂજાનાં કાર્યક્રમોનો આરંભ થઈ જશે. 

તા.28મીએ સવારે 7.30 વાગ્યાથી 8.30 કલાક સુધી હવન અને પૂજા થશે. પૂજા માટે ગાંધીજીની પ્રતિમા પાસે પંડાલ લગાવવામાં આવશે. આ પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાનાં ડેપ્યુટી ચેરમેન સહિતનાં મંત્રીઓની હાજરી રહેશે. ત્યારબાદ 8.30 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે લોકસભાની અંદર સેંગોલ સ્થાપિત કરાશે. ત્યારબાદ 9.30 કલાકે પ્રાર્થના યોજાશે અને તેમાં શંકરાચાર્ય સહિતનાં વિદ્વાનો અને પંડિતોની હાજરી રહેશે. આ ઉપરાંત આદિ શિવ અને આદિ શંકરાચાર્યની પૂજા પણ કરવામાં આવશે. બપોરે 12 કલાક પછી ઉદ્ઘાટન કાર્યક્રમનાં બીજા તબક્કાનો આરંભ થશે. જેનો આરંભ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવશે.

આ પ્રસંગે બે શોર્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરાશે. ત્યારબાદ રાજ્યસભાનાં ડેપ્યુટી સ્પીકર રાષ્ટ્રપતિનો સંદેશો વાંચી સંભળાવશે. આ પ્રસંગે રાજ્યસભામાં વિપક્ષનાં નેતાઓનું સંબોધન પણ થશે. અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. આ ઐતિહાસિક અવસરની યાદમાં એક નવો સિક્કો અને સ્ટેમ્પ પણ જારી કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક