• રવિવાર, 14 એપ્રિલ, 2024

નિફ્ટીમાં 22,500ના સ્તરે અવરોધ આવી શકે  

ત્રીજા ત્રિમાસિક પરિણામો બાદ વિકાસની ગતિ જળવાઈ રહેવાની કંપનીઓને આશા 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 25 : નાણાવર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરીણામોની મોસમ પૂરી થવામાં છે ત્યારે તેની વિસ્તૃત છણાવટ કરતાં વાત સ્પષ્ટ થઈ છે કે બજારની ધારણા મુજબ નિફ્ટીનો દેખાવ મહદઅંશે રહ્યો છે. લગભગ તમામ સેક્ટર્સની કંપનીઓના વિકાસમાં વિશેષ વધારો જોવા મળ્યો નથી. નોંધનીય બાબત છે કે નિફ્ટીના હેવી વેઈટ ઈન્ડેક્સમાં સામેલ ફાઈનાન્સિયલ્સ, આઈટી અને એફએમસીજી કંપનીઓનો દેખાવ નબળો રહ્યો અને તે કારણે નિફ્ટીની નફામાં વૃદ્ધિને અસર થઈ હોવાનું સેમકો વેન્ચર્સના સીએફઓ જિમીત મોદીએ તેમની સાપ્તાહિક સમીક્ષામાં જણાવ્યું છે. 

ત્રીજા ત્રિમાસિક ગાળાની સમીક્ષા કરીએ. પાછલા પાંચ ત્રિમાસિક ગાળામાં આવક અને નફાની સરેરાશ અનુક્રમે 14 અને 12 ટકા રહી હતી. જ્યારે ડિસેમ્બર 2023માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આવક અને ચોખ્ખો નફો અનુક્રમે 9 ટકા અને 15 ટકા રહ્યા હતા. વાતનો સંકેત કરે છે કે કંપનીઓની આવકમાં સહેજ ઘટાડો થયો છે જ્યારે નફો ઊંચો રહેવાના કારણે તેનો તફાવત ભૂંસાઈ ગયો છે. 

ડિસેમ્બર 2023ના ગાળામાં બૅન્કો ઊંચી આવક મેળવવામાં પહેલા ક્રમ રહી હતી જ્યારે અૉટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓએ આવક અને નફા બંનેમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મૂડીખર્ચમાં સતત વધારો થવાના કારણે ઈન્ફ્રા અને કૅપિટલ ગૂડ્સ સેક્ટર્સનો દેખાવ સર્વોત્તમ રહ્યો હતો. 

આપણે બૅન્કોની વાત કરીએ તો ડિસેમ્બર ગાળામાં તેમના બિઝનેસની ગતિમાં વેગ રહ્યો હતો અને કરજ આપવાની માત્રા ઊંચી રહેવાના કારણે તેમના ત્રિમાસિક પરીણામો પણ સારા આવ્યાં હતાં. જોકે, ધિરાણ સામે થાપણોની માત્રા ઓછી રહેતાં બૅન્કો માટે ચિંતાનો વિષય બન્યો છે. થાપણોની માત્રા વધારવા માટે બૅન્કો ટર્મ ડિપોઝિટ ઉપર વધારે પડતો મદાર રાખી રહી હોવાના કારણે તેમનો કરન્ટ એકાઉન્ટ સેવિંગ્સ એકાઉન્ટ્સ (કાસા)ના રેશિયોમાં નબળાઈ આવી છે. અગ્રણી બૅન્કોને ફન્ડ્સના ઊંચા ખર્ચના કારણે તેમની વ્યાજની ચોખ્ખી આવકના માર્જિન ઉપર પણ અસર થઈ છે. અમુક અગ્રણી બૅન્કોની એસેટ્સની ગુણવત્તાને પણ ઘસારો લાગ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. બૅન્કોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે અને સંપત્તિના સર્જનમાં વ્યક્તિગત ધોરણે બૅન્કોનો દેખાવ કેવો રહે છે તેની ઉપર બારીકાઈથી નજર રાખવી રહી, એમ મોદીએ તેમની સમીક્ષામાં ઉમેર્યું હતું. 

દેશની અૉટો કંપનીઓનો દેખાવ ત્રીજા ત્રિમાસિક ગાળામાં પણ નોંધપાત્ર રહ્યો હતો. તેમનો વેરા ભર્યા પછીનો નફાનો વૃદ્ધિ દર 85 ટકા જેટલો માતબર રહ્યો હતો અને કુલ આવકમાં વાર્ષિક ધોરણે 16 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ક્ષેત્રની કંપનીઓના નફામાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ માટે અનેક પરીબળો જવાબદાર હતા જેમાં કાચા માલના ભાવમાં ઘટાડો, પુરવઠા ચેઈનમાં અવરોધોનો ઘટાડો અને હૂંડિયામણના દરોમાં સ્થિરતાનાં કારણો સામેલ છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પ્રીમિયમ કાર્સના વેચાણમાં ભારે માગના કારણે અૉટો કંપનીઓનો દેખાવ સારો રહ્યો હતો. 

બીજી તરફ, આઈટી ક્ષેત્રની કંપનીઓએ વિશ્લેષકોના અંદાજ કરતાં સારો દેખાવ કર્યે છે. બૃહદ્ અર્થતંત્રની સ્થિતિ, બેફામ ખર્ચામાં કાપ મૂકવાનાં કારણોથી તેમનો દેખાવ અપેક્ષા કરતાં સારો રહ્યો હતો. તે સાથે તેમના માર્જિનમાં પણ સુધારો થયો હતો અને તેમણે નવા અૉર્ડર્સ મેળવવા ઉપર વિશેષ ધ્યાન આપી બિઝનેસને ગતિમાન રાખ્યો હતો. તે સાથે તેમના કર્મચારીઓ દ્વારા કંપની છોડી જવાની સંખ્યામાં પણ ઘટાડો થવાના કારણે આઈટી કંપનીઓનો દેખાવ સારો રહ્યો હતો. 

ફાર્મા કંપનીઓએ સ્થાનિક અને વિદેશમાં વેચાણ નોંધપાત્રરીતે વધાર્યું હતું અને તેમાં અમેરિકામાં વેચાણ સૌથી વધારે રહ્યું હતું. એફએમસીજી ક્ષેત્રની આવક ઘટવા છતાં તેમના નફામાં  વધારો થયો હતો. એકંદરે, ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે કંપનીઓ આવનારા સમયમાં સારો દેખાવ કરશે એવી આશા સાથે આગળ વધી રહી છે. 

નિફ્ટી સાપ્તાહિક ધોરણે સકારાત્મક નોંધ સાથે બંધ આવ્યો હતો અને 0.78 ટકા જેટલો નોંધપાત્ર વધ્યો હતો અને 22,298ની નવી વિક્રમી ઊંચાઈ બનાવી હતી અને સત્રના આખરે 22,213ના સ્તરે બંધ આવ્યો હતો. ટેક્નિકલી નિફ્ટી દૈનિક ધોરણે નવી ઊંચી ઊંચાઈ બનાવી રહ્યો છે અને તેમાં આવનારો ઘટાડો પણ નાનો રહેશે. તેની પોઝિશન પણ 20 અને 50 સિમ્પલ મૂવિંગ એવરેજ (એસએમએ)થી ઉપર રહી છે અને તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (આરએસઆઈ) 62ના સ્તરથી ઉપર રહ્યો છે. નિફ્ટીને તાત્કાલિક સપોર્ટ 22,000ના સ્તરે છે અને તે પછી 21,900ના સ્તરે છે. ઉપરમાં 22,500ના સ્તરે અવરોધ આવી શકે. વીઆઈએક્સ 16ની નીચે રહેશે ત્યાં સુધી નિફ્ટીમાં સામાન્ય વધઘટ રહેવાની શક્યતા હોવાનું જિમીત મોદીએ ઉમેર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ