• મંગળવાર, 06 જૂન, 2023

હિન્દાલ્કોનો માર્ચ ત્રિમાસિક ગાળામાં નફો 37 ટકા ઘટીને રૂા. 2411 કરોડ થયો   

કંપનીનો કૉપર બિઝનેસમાં સારો દેખાવ 

મુંબઈ, તા. 24 :  ઍલ્યુમિનિયમનું મોટા પાયે ઉત્પાદન કરતી અગ્રણી કંપની હિન્દાલ્કોનો માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 37 ટકા ઘટીને રૂા. 2411 કરોડનો થયો હતો જે ગયા વર્ષે સમાનગાળામાં રૂા. 3860 કરોડનો થયો હતો. 

કંપનીની કામગીરી દ્વારા થયેલી આવક વાર્ષિક ધોરણે 0.16 ટકા વધીને રૂા. 55,857 કરોડની થઈ હોવાનું કપંનીએ એક્સ્ચેન્જને કરેલા ફાઈલિંગમાં જણાવ્યું છે. 

કંપનીની કરવેરા, વ્યાજ અને ઘસારા પહેલાંની એકત્રિત આવક (ઈબિટ્ડા) વાર્ષિક ધોરણે 23 ટકા ઘટીને રૂા. 5818 કરોડની થઈ હતી જ્યારે અમેરિકાસ્થિત પેટાકંપની નોવેલીસની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે સાત ટકા ઘટીને 17.5 કરોડ ડૉલરની થઈ હતી. 

હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના એમડી સતીષ પાલે મજબૂત માર્કેટ માગના  કારણે કૉપરના બિઝનેસમાં માતબર આવક થઈ હોવાનું જણાવ્યું હતું. કૉપર બિઝનેસમાં સ્થિર ઉત્પાદન અને ઉચ્ચ મૂલ્યવર્ધિત ઉત્પાદનોના વેચાણમાં વધારો થવાના કારણે કંપનીની ઈબિટ્ડામાં વધારો થયો હોવાનું સ્પષ્ટ કર્યું હતું. 

ભારતમાં ઍલ્યુમિનિયમના ફાઈનલ પ્રોડક્ટ અને વેચાણમાં વિતેલા નાણાવર્ષ દરમિયાન સૌથી વધારે ઈબિટ્ડા નોંધાઈ હતી. આ સેગ્મેન્ટમાં અમારા વિશેષ ધ્યાનના કારણે ઈબિટ્ડામાં નોંધપાત્ર સુધારો થયો હોવાનું પાલે ઉમેર્યું હતું. 

બૃહદ અર્થતંત્રમાં વિષમ પરિસ્થિતિઓ છતાં નોવેલીસના બિઝનેસમાં ભાવમાં વધારો અને એક જ વિષય માટે ઉપલબ્ધ વિવિધ ઉત્પાદનોના વેચાણમાં વધારો થવાના કારણે ત્રિમાસિક ધોરણે ઉત્પાદન વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતમાં સંપૂર્ણપણે કરજમુક્ત બિઝનેસ અને મજબૂત બેલેન્સશીટના સહારે કંપની ઉત્પાદન વધારી વેચાણને પણ વેગ આપશે, એમ તેમણે ઉમેર્યું હતું.