મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, એવી વર્ષો જૂની ઉક્તિ સાથે હવે કદાચ ઉમેરવું પડશે કે, મુંબઈમાં ઓટલા સાથે સારાં હવા-પાણી પણ ન મળે. આ અતિશયોક્તિ નથી, વર્ષ 2024-25 માટે મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલા અહેવાલમાં શહેરના નવ વૉર્ડમાં પીવાનાં પાણીની ગુણવત્તા કથળી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. તો, મુંબઈના નવમાંથી છ ઍર ક્વૉલિટી મોનિટારિંગ સ્ટેશન્સના આંકડા કહે છે કે, 2023-24ની સરખામણીમાં 2024-25માં મુંબઈની હવામાં પીએમ10 લેવલ એટલે કે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર અર્થાત્ હવામાં તરંગતાં રજકણોનું પ્રમાણ વધ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઈઝ અૉફ લાવિંગ ઈન્ડેક્સમાં મુંબઈ સતત નીચે સરકી રહ્યું છે, તો સ્વચ્છતાની રેન્કિંગ હોય કે અન્ય આવી યાદીઓમાં મુંબઈનું પરફૉર્મન્સ બગડતું જોવા મળે છે, જે દેશની આર્થિક રાજધાનીનું બિરુદ ધરાવતા શહેર માટે ચિંતાની બાબત છે.
બીએમસીના વર્ષ 2024-25 માટેના એન્યુઅલ
એન્વાયરમેન્ટ સ્ટેટસ રિપોર્ટ (ઈએસઆર) અનુસાર ગયા વર્ષની સરખામણીમાં શહેરના 24માંથી
નવ વૉર્ડમાં પીવાનાં પાણીની ગુણવત્તામાં ઘટાડો થયો છે. આમાં બી વૉર્ડના ડોંગરી અને
ઉમરખાડી વિસ્તારોના પીવાનાં પાણીનાં સૅમ્પલોમાં અનફિટ લેવલ વધ્યું છે. એ પછી જી સાઉથ
વૉર્ડ હેઠળ આવતા વરલી, પ્રભાદેવી, મહાલક્ષ્મી અને લૉઅર પરેલ વિસ્તારોનો નંબર આવે છે.
સારી વાત એ છે કે, છેલ્લાં ત્રણ વર્ષમાં આ વર્ષે પહેલી વાર છ વૉર્ડના અનફિટ વૉટર સૅમ્પલનું
પ્રમાણ શૂન્ય ટકા સુધી લાવવામાં પાલિકાને સફળતા મળી છે. તો, મલાડના વૉર્ડે સતત બીજા
વર્ષે ઝીરો અનફિટ વૉટર સૅમ્પલ સાથે આ યાદીમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. મધ્ય અને
દક્ષિણ મુંબઈની સરખામણીમાં પરાંમાં પીવાનાં પાણીનાં સૅમ્પલની ગુણવત્તા સારી જોવા મળી
છે. ગળતર, ગટર અને પાણીની પાઈપલાઈનની નિકટતા, જૂની થઈ ગયેલી વૉટરલાઈન અને જરીપુરાણા
પાણીનાં જોડાણ મધ્ય તથા દક્ષિણ મુંબઈમાં પીવાનાં પાણીની ગુણવત્તા બગાડી રહ્યા હોવાનું
જોવા મળે છે. જોકે, પાણીની ગુણવત્તા જળવાય એ જવાબદારી પાલિકાની છે અને આ અહેવાલ માટે
બીએમસીના સાર્વજનિક સ્વાસ્થ્ય અને હાઈડ્રોલિક એન્જિનિયારિંગ ખાતાં જેવા વિભાગો રોજ
150થી 180 સૅમ્પલ એકત્ર કરે છે અને ચોમાસા દરમિયાન તો દૈનિક ધોરણે 200થી 250 નમૂના
એકઠા કરે છે. જોકે, છેલ્લા એક વર્ષમાં કેટલાક વૉર્ડમાં પાણીની ગુણવત્તા કથળવા સામે
અન્ય અનેક વૉર્ડમાં તેમાં સુધારો પણ જોવા મળ્યો છે.
શહેરમાં સતત ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિઓ
અને માળખાકીય સુવિધાઓના નિર્માણકાર્યને પગલે પીએમ10 એટલે કે પાર્ટિકલ મેટર 10નું હવામાંનું
પ્રમાણ ગયા વર્ષની સરખામણીમાં વધ્યું છે. ગૅસ ચેમ્બર તરીકે વગોવાયેલા ચેમ્બુર વિસ્તારની
હવાનું પીએમ10 લેવલ ગયા વર્ષની સરખામણીમાં સુધર્યું છે, પણ શહેરના અન્ય વિસ્તારોની
સરખામણીમાં હજી પણ ખાસ્સું વધુ છે. દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની પ્રવૃત્તિઓ તથા આ ક્ષેત્રમાં
મોટા પાયે કચરો બાળવામાં આવતો હોવાને કારણે આ સમસ્યા છે. મુંબઈની હવામાં સરેરાશ કાર્બન
મોનોક્સાઈડના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ગ્રાઉન્ડ-લેવલ ઓઝોન તથા નાઈટ્રોજન
ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યું છે, જે જોખમી ગણાય. મુંબઈનાં બગડતાં હવા-પાણીનાં કારણો
અનેક છે, પણ ઉકેલ પાલિકા અને નાગરિકો સાથે મળીને પગલાં લે એમાં છે, સમય આવી ગયો છે
કે આ બાબતને પ્રાથમિકતા ગણી આ દિશામાં કામ કરવામાં આવે અન્યથા મુંબઈ મોરી મોરી રે-નું
મુંબઈ મોળી મોળી રે બની જતાં વાર નહીં લાગે.