મહારાષ્ટ્ર સરકારમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચેના `મતભેદ' હવે બહાર આવી રહ્યા છે અને સરકારી તથા રાજકીય વર્તુળોમાં ગરમ ચર્ચાનો વિષય બન્યા છે. છેલ્લી ચૂંટણીમાં શિંદેની લાડકી બહિણ યોજનાએ વિજયમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, પણ તેનો યશ મળવાને બદલે શિંદેને અપયશ મળી રહ્યો છે. અન્ય પ્રધાનો - વિશેષ કરીને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આ યોજનાના ગેરલાભ ઉઠાવાયા હોવાની ટીકા વારંવાર કરી રહ્યા છે. આ દરમિયાન અખબારી અહેવાલ આવ્યા છે કે લાડકી બહિણ જ નહીં, લાડકી માતાઓ અને દાદીઓ તથા પુરુષોએ પણ ગેરલાભ લીધો છે - હવે યાદીમાંથી છટણી થશે - મતદાર યાદી પછી આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં પણ સાફસૂફી કરવી પડશે એમ જણાય છે.
મુખ્ય મંત્રી
માઝી લાડકી બહિણ યોજના હેઠળ દર મહિને રૂા. 1500 લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે. આ લાભ
મેળવનારાઓમાંથી 26.3 લાખ જેટલી મહિલાઓ તેને પાત્ર નથી, એવું તપાસમાં બહાર આવ્યું છે.
આથી, હવે સરકારે લાડકી બહિણ યોજના માટે મહિલાઓનું ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. અહેવાલો
અનુસાર, આ 26.3 લાખ મહિલાઓમાંથી બે લાખ પુણેમાં છે, તો 1.2 લાખ એકલા થાણે જિલ્લામાં
છે, જે અનુક્રમે નાયબ મુખ્ય પ્રધાનો અજીત પવાર અને એકનાથ શિંદેના ગઢ છે. મુખ્ય પ્રધાન
દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે કેટલાક લોકો દ્વારા આ યોજનાનો લાભ ખોટી રીતે લેવાયો
છે, આવા લોકોને મળતા લાભ અટકાવવામાં આવશે. જુલાઈ મહિનાથી આ માહિતી બહાર આવી ત્યારથી
શિંદેનો મૂડ બદલાયેલો જોવા મળે છે.
હાલમાં જ પુણેમાં
ડબલ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે શિંદેની હાજરી અપેક્ષિત હતી, પણ તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા
નહોતા. તો છત્રપતિ શંભાજી નગર ખાતે મરાઠવાડા ક્ષેત્ર માટે પીવાના પાણીના પ્રોજેક્ટના
આરંભ પ્રસંગે શિંદે-ફડણવીસ આવવાના હતા, આ વખતે પણ શિંદે ગેરહાજર હતા. એકનાથ શિંદે મુખ્ય
પ્રધાનને મળવાનું અથવા એમની સાથે મંચ ઉપર બેસવાનું પણ ટાળે છે, એવા અહેવાલોમાં અતિશયોક્તિ
નથી. કૅબિનેટની બેઠકમાં પણ એમણે હાજરી આપી નહીં તેની ચર્ચા છે. શિવસેનામાં ભંગાણ પાડી
એકનાથ શિંદેએ ભાજપ સાથે મળી સરકાર રચી ત્યારે ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે એવી અટકળો વચ્ચે
ભાજપ મોવડી મંડળે શિંદેને આ પદ આપ્યું. વિધાનસભાની ચૂંટણી બાદ મોટો ભાઈ ભાજપ શિવસેનાને
મુખ્ય પ્રધાનપદ આપશે એવી ચર્ચાઓ વચ્ચે ફડણવીસનું નામ સીએમ તરીકે જાહેર થયું ત્યારે
પણ શિંદેની નારાજગી ચર્ચાનો વિષય બની હતી. ત્રણ પક્ષોની સરકાર છે અને પહેલા ટર્મની
જેમ આ વખતે શિંદેસેનાને કામ કરવાની મોકળાશ નથી, એવું ઘણા વખતથી ચર્ચાય છે, પણ હવે લાગે
છે કે પરિસ્થિતિ ગંભીર છે. એક બાજુ ઠાકરે ભાઈઓ ભેગા થયા છે અને સાથે ચૂંટણી લડવાની
તૈયારી કરી રહ્યા છે ત્યારે એકનાથ શિંદેની શિવસેના માન્યતા પ્રાપ્ત હોવા છતાં હવે એમની
સામે ગંભીર પડકાર ઊભો થઈ રહ્યો છે ત્યારે યુતિના ભાગીદાર પક્ષોએ મજબૂત એકતા બતાવવી
જરૂરી છે જેના બદલે અત્યારે જે ફાટફૂટ દેખાય છે તે પૂરીને સાથે રહેવાનો સમય છે. એકનાથ
શિંદે સામે નહીં, વિપક્ષનો પડકાર યુતિ સામે છે - એટલું તો સૌ સમજતા જ હશે.