• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

`વોટચોરી'ની ફરિયાદ નથી, રાજકીય આક્ષેપ છે!

રાહુલ ગાંધીએ `વોટચોરી'નો ઍટમ બૉમ્બ આક્ષેપ જાહેરમાં - પત્રકાર પરિષદ બોલાવીને કર્યા પછી ચૂંટણીપંચે આક્ષેપના ટેકામાં સહીસિક્કા સાથે પુરાવા રજૂ કરવા માટે સાત દિવસની મહેતલ આપી હતી એઁ હવે પૂરી થઈ છે, પણ રાહુલ ગાંધીએ કોઈ પુરાવા આપ્યા નથી. પંચે એમ પણ કહ્યું હતું કે સાત દિવસની મહેતલ પૂરી થાય ત્યાં સુધી પુરાવા નહીં અપાય તો આક્ષેપો આપોઆપ રદબાતલ ગણાશે. આમ પંચે કાનૂની પગલાં લેવાની જાહેરાત અથવા શક્યતા દર્શાવી નહોતી. આ સંજોગોમાં રાહુલ ગાંધી અને એમના મોરચાના અન્ય નેતાઓએ `વોટચોરી'ના આક્ષેપનો રાજકીય પ્રચાર ચાલુ રાખ્યો છે. હકીકતમાં એમની હિંમત વધી છે, કારણ કે તેઓ જાણે છે કે કાનૂની પગલાં લેવાય - તો તે રાજકીય કિન્નાખોરીમાં ખપાવી શકાશે.

વોટચોરીની `ફરિયાદ' અને આક્ષેપ વચ્ચે મહત્ત્વનો તફાવત છે. ફરિયાદ કરી હોય તો પુરાવા આપવા જ પડે અને પંચે તપાસ પણ કરવી જ પડે. તપાસમાં ફરિયાદ સાચી હોવાનું જણાય નહીં તો ખોટી ફરિયાદ કરી ગણાય - સજાપાત્ર થાય, પણ રાજકારણમાં `હીરો' બનાય અને લોકોની સહાનુભૂતિ મળે. પંચ અને સરકાર પણ સાવધાન છે. રાહુલ આક્ષેપો કરવા માટે મોઢું ખોલે ત્યારે રાજકીય મુદ્દાનું પતાસું એમના મોંઢામાં પડે નહીં એની સાવધાની છે. જોકે, રાહુલ ગાંધી પાયાવિહોણા આક્ષેપો કરવા માટે જાણીતા છે. આજ સુધી તેમણે કરેલા આક્ષેપોના પુરાવા આપી શક્યા નથી. આમ છતાં, દર વખતે નવેસરથી જાતભાતના દાવા જોર-શોરથી કરે છે.

આજે આક્ષેપ કરવાનું તો અતિ સરળ છે! 2014થી આજ સુધી ઘણા આક્ષેપ થયા છે - ત્યારે જનતાની અદાલતે ચુકાદા આપ્યા જ છે. હવે વોટચોરીના આક્ષેપ જોરશોરથી થશે તેનો રાજકીય જવાબ એક માત્ર મોદી જ આપી શકે અને તે અસરકારક હશે જ. બિહારની ચૂંટણી આ માટે મેદાન છે અને જનતાની અદાલત આક્ષેપો રદબાતલ ઠરાવે તો કેરળ, તામિલનાડુ - અને લોકસભાની ચૂંટણી વખતે પણ નવા આક્ષેપ - મુદ્દા શોધવા પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ