• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

બાપ્પા કઈ સેનાને વિજયના આશીર્વાદ આપશે?

આજથી ગણેશોત્સવ શરૂ થાય છે ત્યારે મહાનગર મુંબઈ ગણેશભક્તિ અને રાજકીય શક્તિનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. સેક્યુલરવાદનો પ્રચાર અને વિરોધ કરનારા સૌ `બાપ્પા મોરિયા'ના મંત્રોચ્ચારમાં જોડાય છે ત્યારે રાજકીય સૂત્રોચ્ચારને સ્થાન હોતું નથી, હોવું નહીં જોઈએ, પણ ગણેશોત્સવ રાજકીય ઉત્સવ બની રહ્યો છે! સામાન્ય રીતે મોટી કંપનીઓ અને બીલ્ડરો પાસેથી ફંડ-ફાળાની મોટી રકમ મળતી હોય છે, પણ હવે રાજકીય પક્ષો અને નેતાઓ ગણેશમંડળોના ફાઈનાન્સિયરની ભૂમિકામાં આવી રહ્યા છે. ગણેશોત્સવમાં બાપ્પાનાં દર્શન કરવા લાખ્ખો દર્શનાર્થીઓ મુંબઈ આવતા હોય છે. એમને દેવદર્શન સાથે રાજકીય શક્તિનું પ્રદર્શન પણ જોવા મળે છે!

મુંબઈમાં ગણેશમંડળો શિવસેનાનાં શક્તિ કેન્દ્રો રહ્યાં છે. વર્ષ 1960માં શિવસેનાની વિધિસર સ્થાપના થઈ ત્યારથી ગણેશમંડળોમાં બાળાસાહેબ ઠાકરેનું પ્રભુત્વ રહ્યું છે. રાજકારણમાં પણ સક્રિય કાર્યકરો બન્યા અને મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં શિવસેનાનો ઝંડો ફરકતો રહ્યો, પણ વર્ષ 2022માં શિવસેનામાં ભંગાણ પડયા પછી એકનાથ શિંદે સેના અને ભાજપ પણ મંડળોમાં સક્રિય બન્યા. હવે `બન્ને સેના' માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

શિંદે સેના અને ભાજપ માટે આ અવસર પડકાર છે - પ્રભાવ વધારીને સુધરાઈની ચૂંટણીમાં સાબિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ગણેશોત્સવ કોઈ એક પક્ષનો ઇજારો નથી - ગણેશજી અમારા પણ છે એમ બતાવવાની સ્પર્ધા પુરજોશમાં છે. મુંબઈમાં આશરે 14 હજાર ગણેશમંડળો છે. રાજકીય પક્ષો અને નેતાઓ હોય ત્યારે કંપનીઓ અને બીલ્ડરોની હાજરી પાંખી બની જાય તે સ્વાભાવિક છે. ભાજપ-શિંદે સેનાનો દાવો છે કે મુંબઈનાં મોટા ભાગનાં મંડળો અમારી સાથે છે. પંડાલ બાંધવાની પરવાનગી તથા ઉત્સવની અન્ય તૈયારીમાં પણ સરકારી મદદ આસાનીથી આપી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગણેશોત્સવને `રાજ્યનો ઉત્સવ' જાહેર કર્યો છે તે પણ નોંધપાત્ર છે.

બીજી બાજુ, ઉદ્ધવ સેનાના પ્રવક્તા કહે છે કે મની પાવર અને સરકારી સત્તાનો ઉપયોગ શાસક પક્ષો કરી રહ્યા છે, પણ મંડળના કાર્યકરો - ગણેશ ભક્તોની વફાદારી - ઉદ્ધવ સેના સાથે છે. મુંબઈમાં આવનારા દર્શનાર્થીઓ ગણેશદર્શન પહેલાં મુંબઈના માર્ગોમાં પડેલા ખાડાનાં દર્શન કરશે. ઠેર-ઠેર કચરાના ઢગલા ખડકાયા છે તે સાફ કરવાની ફુરસદ નથી તેથી ઉત્સવ ઝંખવાય છે.

ચૂંટણીની જેમ ધાર્મિક - સાંસ્કૃતિક અવસરમાં પણ નાણાં - મની પાવરની બોલબાલા હોય જ. રાજ્યના સામાજિક ન્યાયના પ્રધાન સંજય શિરસાટે નવો `ધડાકો' કર્યો છે. મંડળોને કહ્યું છે કે તમારી પાસે પૈસા ખૂટે તો મારી બૅગ ખુલ્લી છે - ચિંતા કરશો નહીં! હવે આ `અૉફર'થી એમની `બૅગ'નો જૂનો વિવાદ ફરી શરૂ થયો છે. એમણે `બૅગ ખુલ્લી' હોવાની અૉફર - જાહેરાત કરીને ગણેશભક્તોને આંચકો અને વિરોધીઓને `મુદ્દો' પૂરો પાડયો છે.

બન્ને સેનાઓની સ્પર્ધામાં બાપ્પાના આશીર્વાદ - વિજયી ભવો - કોને મળશે તે પ્રશ્ન છે, પણ ઉદ્ધવ સેનાએ લાલબાગચા રાજા મંડળના માનદ્ સેક્રેટરી સુધીર સાલવીની નિમણૂક ઉદ્ધવ સેનાના સેક્રેટરીપદે કરી છે તેથી સુધરાઈની ચૂંટણીમાં એમની `સેવા' મળી શકશે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ