સંસદના બજેટ સત્રનો આરંભ થઈ ગયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ બજેટ મહત્ત્વનું માનવામાં આવે છે. અર્થતંત્રની દિશા-દશાનું આજે રજૂ થનારા બજેટમાં નક્કર માળખું જોવા મળશે. જૂનમાં સામાન્ય ચૂંટણી પછી જ્યારે લોકસભામાં ભાજપનો આંકડો બહુમતથી નીચે આવ્યો તો સૌ માનતા હતા કે મોદી સરકાર માટે આગલાં પાંચ વર્ષ કઠિન હશે. સરકારની સ્થિરતા વિષે ચર્ચા શરૂ થઈ હતી પણ હરિયાણા અને પછી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારે જીતથી એનડીએને સત્તા મળી છે. રાજકીય દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું એ હશે કે વકફ બિલ સંસદમાં કેવી રીતે રજૂ અને પસાર થાય છે. એનડીએ સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે આ બિલને પસાર કરાવીને રહેશે. તેનો દાવો છે કે આ માટે બન્ને ગૃહોમાં તેની પાસે પર્યાપ્ત સંખ્યાબળ છે.
બજેટ સત્રના બરાબર એક દિવસ પહેલાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે પોતાનો
એજન્ડા અને હેતુ સરકાર સમક્ષ રજૂ કર્યા છે, મહાકુંભમાં નાસભાગ, અતિવિશેષ વ્યક્તિઓને
મહત્ત્વ, ખેડૂત આંદોલન અને ખેડૂતોની સમસ્યા, મોંઘવારી, બેરોજગારી વગેરે વિષયો પર ચર્ચાની
માગ કરી છે. આ બેઠકમાં સરકારે વિપક્ષને કહ્યું કે બજેટ સત્રના એજન્ડા અંગે ગૃહની કાર્ય
મંત્રણા સમિતિ નિર્ણય કરશે. સરકાર અને વિપક્ષ જો સામંજસ્યની સાથે ચાલે તો હંમેશાં સંસદ
સત્ર સહયોગથી ચાલી શકે.
સંસદના બજેટ સત્રને લઈ બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં થયેલી ચર્ચાને સંસદીય
કાર્યપ્રધાન કિરણ રિજિજુએ રચનાત્મક ગણાવી હતી, પરંતુ એ કહેવું કઠિન હશે કે આ સત્ર દરમિયાન
સંસદની કાર્યવાહી રચનાત્મક જ રહેશે. કારણ કે હવે સંસદમાં કોઈને કોઈ બહાને હોબાળો મચાવવો
જ વધુ થાય છે. વિપક્ષ તેના દ્વારા મહત્ત્વપૂર્ણ મનાતા જે વિષયો ઉપસ્થિત કરવા પર ભાર
મૂકતો હોય છે, એના પર સાર્થક વિચાર-િવમર્શમાં ઓછી જ રુચિ દાખવે છે.
સંસદ સત્રને રાજકીય અખાડો બનતો રોકવાની જવાબદારી વિપક્ષોની પણ છે. દેશ બદલાઈ
રહ્યો છે, અમૃતકાળ ચાલે છે, નવા ભારતની યાત્રા થઈ રહી છે તો રાજકારણ પણ બદલવું જોઈએ.
સંસદ રાજકીય અખાડો નહીં હોવી જોઈએ. વિકસિત ભારતના લક્ષ્યમાં સંસદની ગતિશીલતા, સાર્થકતા,
રાજકીય અને સંસદીય અનુશાસન પણ હોવા જોઈએ. ન તો વિપક્ષની માગની ઉપેક્ષા કરી શકાય અને
સરકાર ઉપર કોઈ નિર્ણય લાદી શકાય નહીં. સંસદીય કામકાજ વધારવાની આવશ્યક્તા છે. ભારતની
સંસદ કાર્ય પ્રણાલી દુનિયા માટે ઉદાહરણ બનવી જોઈએ. સામાન્ય રીતે સર્વપક્ષીય બેઠકમાં
બનેલી સહમતી સંસદ સત્રના પહેલા દિવસથી જ તૂટી જાય છે, જે રોકવાની જરૂર છે. કમનસીબે
સંસદની ગરિમાનું પાલન નથી થતું. બે તબક્કામાં ચાલનારું આ બજેટ સત્ર દેશ માટે ઉપયોગી
હોવું જોઈએ. બજેટ અને અન્ય બીજા ખરડા પર વિસ્તારથી ચર્ચા થવી જોઈએ, ચર્ચા હોબાળાને
આધીન ન થવી જોઈએ. સંસદીય લોકતંત્રને સફળ બનાવવામાં વિપક્ષનો સહયોગ મળી રહેશે એવી આશા
રાખીશે.