• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

મહાયુતિમાં સમજૂતી!

વિધાનસભા ચૂંટણી 2024માં ઐતિહાસિક સફળતા મળ્યા પછી મહાયુતિ સરકારમાં સામેલ ભાજપ, શિવસેનાનું શિંદે જૂથ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવારના પક્ષની માગ વધી ગઈ છે. નિકટના ભવિષ્યમાં થનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લક્ષમાં લેતાં વિપક્ષી ગઠબંધનમાં પક્ષ છોડવાનું પ્રમાણ વધ્યું છે. નેતાઓ જ નહીં કાર્યકરો પણ પક્ષ છોડી રહ્યા છે અને મહાયુતિના સામેલ ઘટક પક્ષોના અનેક નેતાઓ પણ મહાયુતિમાં પક્ષ બદલવાના પ્રયાસ કરી રહ્યા હોવાથી મહાયુતિમાં અવિશ્વાસનું વાતાવરણ છે તે માહોલ સુધારવા મહાયુતિના ત્રણે પક્ષોએ સમજૂતી કરી છે. આવા પ્રયાસોને બ્રેક મારવાનો નિર્ણય મહાયુતિમાં સામેલ ઘટક પક્ષોના નેતાઓએ લીધો છે. મુંબઈમાં હાલમાં મહાયુતિના મુખ્ય નેતાઓની એક બેઠકમાં પરસ્પર એકબીજાનો પક્ષ નહીં તોડવા પર સહમતી સાધવામાં આવી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી ઓછામાં ઓછા આગલાં પાંચ વર્ષ સુધી સરકારી સત્તા અને સમર્થનનું સુખ ભોગવવાની ઇચ્છા ધરાવતા અન્ય વિપક્ષના નેતાઓમાં મહાયુતિના ઘટક પક્ષોમાં જવાની હોડ લાગી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદો, વિધાનસભ્યો અને બીજા નેતાઓ તેમ જ પદાધિકારીઓને તોડવા માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ અૉપરેશન ટાયગર ચલાવ્યું છે, તો ભાજપે અૉપરેશન લોટસ શરૂ કર્યું છે. મહાયુતિના ત્રણે પક્ષોની સમજૂતીને લઈ હાલ પૂરતી તો સૌથી કફોડી સ્થિતિ ઓબીસી નેતા અને માજી નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળની થઈ છે. તેઓને પ્રધાનમંડળમાં સામેલ નહીં કરવામાં આવ્યા પછી તેઓ નારાજ છે અને અજિત પવારનો પક્ષ છોડી ભાજપમાં જોડાવવા તૈયાર થયા હોવાની ચર્ચા છે, પરંતુ મહાયુતિના પક્ષોની સમજૂતીના કારણે તેઓનું ભાવિ અધ્ધરતાલ દેખાય છે. જોવાનું એ રહે છે કે મહાયુતિના પક્ષો સમજૂતીને કેટલા વળગીને રહે છે?  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ