અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે અમેરિકામાં રહેતા ભારત સહિત બીજા દેશોના નાગરિકોને પાછા મોકલવાની જે વાત ચૂંટણી પહેલાં કરી હતી તેનો અમલ હવે શરૂ કરી દીધો છે. આ ક્રમમાં સોમવારે મોડી રાત્રે અમેરિકાના ટેક્સાસથી 205 ભારતીયોને અમેરિકી સેનાના વિમાનમાં રવાના કરી દીધા. વિમાન બુધવારે સવારે અમૃતસર પહોંચ્યું. આ સંદર્ભમાં ભારત સરકારે કોઈ ટિપ્પણ નથી કરી, પરંતુ માનવામાં આવે છે કે આગલા અઠવાડિયે અમેરિકા મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થાય ત્યારે ગેરકાયદે રીતે રહેનારાઓનો મુદ્દો સામે આવશે.
આજે અમેરિકાના પ્રમુખ ગેરકાયદે રહેનારાઓને દેશબહાર કરવા ભલે મક્કમ હોય પણ તેમને
જાણ હોવી જોઈએ કે વિદેશી શ્રમિકો વિના કામ ચાલવાનું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ઉદાર વલણ
દાખવ્યું હોત અને યોગ્ય લોકોને અમેરિકામાં રહેવાની છૂટ આપી હોત તો અમેરિકા માટે સારું
હોત. ભારતીયો લાભાન્વિત થયા હોત. કારણ કે તેઓ અપેક્ષા મુજબ શિક્ષિત અને અંગ્રેજી ભાષા
સમજનારા અને કાયદાનું પાલન કરનારા હોય છે. ભારતે આ પ્રતિ અમેરિકાનું ધ્યાન દોરવું જોઈએ,
કેટલાક લોકો ભારતમાં ખોટા ઉત્પીડનની ઉપજાવેલી વાતો કરીને અમેરિકામાં શરણ મેળવે છે.
ભારતે અમેરકાને પૂછવું જોઈએ કે જ્યારે વિદેશી શ્રમિકોની અમેરિકાને જરૂર હોય તો સત્તાવાર,
મંજૂરી મેળવીને પ્રવેશ કરે તેવી વિશેષ વ્યવસ્થા શા માટે નથી?
એક અનુમાન અનુસાર દુનિયાભરના એક કરોડ દસ લાખ લોકો હાલ અમેરિકામાં ગેરકાયદે રહે
છે. આમાં ઘણાં ભારતના હોવાનું કહેવાય છે. અમેરિકાએ હાલ લગભગ 18,000 ભારતીઓને પાછા મોકલવાનો
નિર્ણય કર્યો છે. કારણ કે તેઓ પાસે ત્યાં રહેવાના અધિકૃત દસ્તાવેજો નથી. ભારત અને અમેરિકાના
સંબંધ હાલનાં વર્ષોમાં સારા રહ્યા હોવાથી આ વિષયમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે
અમેરિકા શાસનને આ પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.
ગેરકાયદે પ્રવેશ કે ઘૂસણખોરી કોઈપણ દેશને માન્ય ન હોઈ શકે, ભારતમાં લાખો બાંગ્લાદેશી
ઘૂસણખોરો સાથોસાથ હજારો રોહિંગ્યા વર્ષોથી રહે છે. કોર્ટના આદેશ પછી સરકાર રાજકીય કક્ષાએ
બાંગ્લાદેશ અને મ્યાંમારની સાથે વાતચીત કરી રહી છે કે ગેરકાયદે રહેતા એમના નાગરિકોને
લઈ જાય. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે પ્રવાસીઓને ‘ગુનેગાર’ અને ‘િવદેશી ઘૂસણખોરો’
કહે છે, અમેરિકા પર આક્રમણ ગણાવ્યું છે. ટ્રમ્પ ઇચ્છે છે કે એ સંદેશ સ્પષ્ટ રૂપે જાય
કે અમેરિકા ગેરકાયદે પ્રવાસીઓને સહન નહીં કરે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનારને સજા
થશે. ટ્રમ્પની વ્યૂહરચના ફક્ત ઘૂસણખોરોને બહાર કાઢવા સુધી સીમિત નથી, પરંતુ તેઓ આ પ્રક્રિયા
ખૂબ ગતિમાન કરવા માગે છે. સમૃદ્ધિની શોધમાં અમેરિકી સ્વર્ગમાં ગેરકાયદે પ્રવેશની ‘વ્યવસ્થા’
કરનારાઓ સામે ભારતે પણ સખત પગલાં ભરવાં જોઈએ.