• બુધવાર, 12 માર્ચ, 2025

કૉંગ્રેસ શાસનનું `પોસ્ટમૉર્ટમ'!

`વિકસિત ભારત બનાવવું કોઈ વ્યક્તિ કે સરકાર નહીં પરંતુ રાષ્ટ્રનો સંકલ્પ છે. જે કોઈપણ હોય, આ સંકલ્પની સાથે આગળ નહીં વધે તો તેને દેશ ભુલાવી દેશે.' આ શબ્દોમાં વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસ ઉપર ટીકાપ્રહાર કર્યા છે. સંસદમાં વડા પ્રધાને કૉંગ્રેસ પર હુમલો બોલાવતાં કહ્યું કે સબ કા સાથ - સબ કા વિકાસ, ગરીબ અને વંચિતનું કલ્યાણ મારી સરકારનો મૂળ મંત્ર છે, જ્યારે કે કૉંગ્રેસનો મંત્ર પરિવાર પ્રથમ છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે આટલો મોટો પક્ષ એક પરિવારને સમર્પિત થઈ ગયો છે. આ પરિવારને સંભાળવા માટે આ પાર્ટી શું નથી કરતી? કૉંગ્રેસે રાજકારણનું એક એવું મૉડલ તૈયાર કર્યું છે જેમાં જૂઠું-ફરેબ, ભ્રષ્ટાચાર પરિવારવાદ, તુષ્ટીકરણની ઘાલમેલ છે. કૉંગ્રેસના તુષ્ટીકરણ રાજકારણ સામે ભાજપ-એનડીએ સરકારનું સંતુષ્ટીકરણ છે.

વડા પ્રધાન રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ બદલ આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણે દેશને ભવિષ્યની દિશા દાખવી છે. આ અભિભાષણ પ્રેરક, પ્રભાવી અને ભવિષ્યના કાર્યક્રમ માટે માર્ગદર્શન આપનારું છે. વડા પ્રધાને એનડીએ સરકારની સિદ્ધિઓનું વિસ્તારથી વર્ણન કર્યું છે. સંસદ હોય કે કોઈપણ રાજ્યનાં વિધાનમંડળો, આ સભાગૃહમાં સભ્યોને સ્પષ્ટ બોલવાનો અને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર હોય છે.

ભારતના ભૂભાગ પરના ચીની આક્રમણ, અમેરિકાના પ્રમુખના શપથવિધિમાં વડા પ્રધાનને આમંત્રણનો મુદ્દો તથા ગરીબી અને અનેક વિષય પર લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું લાંબું ભાષણ ચાલુ હતું ત્યારે વિપક્ષની પાટલી પરના સભ્યો મેજ થપથપાવતા હતા! આ પદ પરની વ્યક્તિને પોતાની જવાબદારીનું ભાન છે કે નહીં એવી શંકા વરિષ્ઠ સભ્યોના મનમાં નક્કી આવી હશે. કોઈપણ ગંભીર વિષય પર અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવા નાજુક મુદ્દા પર બોલતાં સભાગૃહમાં કેટલાક નક્કર સંદર્ભ રજૂ કરવા જોઈએ, આનું સ્મરણ લોકસભા સ્પીકર અને શાસક પક્ષના અનેક નેતા વારંવાર કરાવતા હોવા છતાં રાહુલ ગાંધીનાં અનેક વિધાનો માટે કોઈપણ નક્કર સંદર્ભ સભાગૃહમાં રજૂ નહીં કર્યા.

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને વિમાનમાં જે રીતે લાવવામાં આવ્યા તેનો મુદ્દો ચગાવવાનો પ્રયાસ પણ વિપક્ષે અને ખાસ કરીને કૉંગ્રેસે કર્યો પરંતુ વડા પ્રધાન મોદીએ કટોકટીના દિવસો યાદ અપાવી - તે દિવસોના ગાયક કિશોરકુમારે યુથ કૉંગ્રેસના કાર્યક્રમમાં ગીત ગાવાની ના પાડી તો આકાશવાણી પરથી તેમનાં ગીતોનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું. અભિનેતા દેવઆનંદે 

કટોકટીનું સમર્થન કરવાની ના પાડી તો તેમની ફિલ્મો સિનેમા ઘરોમાંથી ઉતારવામાં આવી. કામદાર નેતા જ્યોર્જ ફર્નાન્ડિસને હાથમાં બેડીઓ પહેરાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા એટલું જ નહીં પણ આખા દેશને કટોકટીની બેડીમાં જકડી લેવામાં આવ્યો હતો, એમ જ્યારે વડા પ્રધાન મોદીએ કહ્યું ત્યારે રાહુલ ગાંધી પાસે કોઈ જવાબ ન હતો.

વડા પ્રધાન મોદીએ તત્કાલીન ઇન્દિરા ગાંધી દ્વારા ગરીબી હટાવવાના આપવામાં આવેલા સૂત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં દેશના ચાર કરોડ ગરીબોના માથે ઘરનું છાપરું મળ્યું છે અને સામાન્ય મહિલાઓ માટે 12 કરોડથી અધિક શૌચાલયની સુવિધાઓનો લાભ મળ્યો છે. ગરીબોના નામે રાજકારણ કરનારા જે નેતા પોતાની જીવનશૈલી આલીશાન બનાવવા માટે સરકારી સુવિધાઓનો દુરુપયોગ કરે છે, તેઓનો પણ વડા પ્રધાને સમયોચિત પર્દાફાશ કર્યો હતો.