• બુધવાર, 09 જુલાઈ, 2025

બ્રિક્સના મંચ પરથી મોદીનો આતંક વિરોધી મોરચો

આતંકવાદ સામે વૈશ્વિક મંચો પર ભારતની ઝુંબેશ અવિરત ચાલી રહી છે. હવે બ્રિક્સ દેશોનાં શિખર સંમેલનમાં પણ ભારતે આતંકના મામલે પાકિસ્તાન, ચીન અને તુર્કીના કારસાનો પર્દાફાશ કર્યો હતો. બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે યોજાયેલા બ્રિક્સના આ 17મા શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામના આતંકી હુમલા અને પછી આદરાયેલાં ઓપરેશન સિંદૂરની સ્થિતિની વિગતો આપવાની સાથોસાથ પાકિસ્તાન, ચીન અને તુર્કીનાં નામ આપ્યાં વગર આકરી ઝાટકણી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન અને તુર્કીનો પડદા પાછળ દોરીસંચાર રહ્યો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવ્યા બાદ વડા પ્રધાન મોદીએ બ્રિક્સની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આતંકવાદની ટીકા કરવાનો બ્રિક્સ સિદ્ધાંત હોવો જોઈએ એવો સ્પષ્ટ મત પણ મોદીએ વ્યક્ત કર્યો હતો. મહત્ત્વની બાબત એ છે કે, બ્રિક્સમાં ચીન સામેલ હોવા છતાં આતંકવાદના મામલે મોદીના મતનું ભારે વજન પડયું હતું.

આમ તો ભારત લગભગ દરેક વૈશ્વિક મંચ પર પહેલગામના હુમલા અને તેમાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓની સીધી સંડોવણીનો મુદ્દો સતત ઉઠાવી રહ્યં છે, પણ તાજેતરમાં મળેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ચીને પોતાના પ્રભુત્વનો ઉપયોગ કરીને પાકિસ્તાન સાથે મળીને આતંકવાદના મામલે વહાલાદવલાનું વલણ લેવાની ફરજ પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ તો ભારતનાં ભારે આકરાં વલણને લીધે આ કારસો વિફળ રહ્યો હતો અને સંગઠનની બેઠક કોઈ પણ સંયુક્ત નિવેદન વગર આટોપી લેવાઈ હતી.

આજે જ્યારે દુનિયા વિકાસની ખેવના રાખી રહી છે ત્યારે તેને સાકાર કરવા માટે શાંતિ અને સલામતી અનિવાર્ય છે. સંઘર્ષના સમયમાં શાંતિ સ્થાપવા માટે વૈશ્વિક મંચોએ હવે નિર્ણાયક ભૂમિકા ભજવવાનો સમય પાકી ગયો છે. વક્રતા એ છે કે, રણમેદાનમાં ખેલાતા જંગોને નાથવા પર ધ્યાન કેન્દ્રિત થાય છે, પણ આતંકવાદના લોહિયાળ પડકારને પહોંચી વળવા માટે વૈશ્વિક પ્રયાસમાં અધૂરપ સતત સામે આવતી રહી છે. આખી દુનિયા માને તો છે કે, આતંકવાદને નાથવાની તાતી જરૂરત છે, પણ આ દેશો સાથે મળીને કોઈ નક્કર સંકલિત કાર્યવાહી કરવાનો સતત છોછ અનુભવતા રહ્યા છે. પાકિસ્તાન સહિતના અમુક દેશ એવા છે જે પોતાનાં રાજદ્વારી હિતો માટે આતંકવાદને સીધો કે આડકતરો સહયોગ આપતા રહે છે. આવા દેશોને ખરેખર વાસ્તવિક્તાનું ભાન કરાવવા માટે બ્રિક્સ કે એસસીઓ જેવા મંચે હવે આગળ આવવાની ખાસ જરૂરત છે.

આવનારા સમયમાં આવા મંચ અને સંગઠનો પરસ્પર સહયોગ અને વિકાસના એજન્ડાની સાથોસાથ આતંકવાદની સામેની અસરકારક કાર્યયોજના બનાવીને તેના પર અમલ કરે એવી અપેક્ષા ભારત જેવા દેશોએ રાખવાની રહી.

ઇ-પેપરના નવા શુલ્ક