• બુધવાર, 09 જુલાઈ, 2025

ધાર્મિક ભાવનાનો આદર કરો

પર્યુષણ પર્વના નવ દિવસ કતલખાનાં બંધ રાખવાની જૈન ટ્રસ્ટની માગણી ઉપર નિર્ણય કોણ લેશે? મુંબઈ હાઈ કોર્ટની ખંડપીઠ - ડિવિઝન બેન્ચના વડા ન્યાયમૂર્તિ જસ્ટિસ સંદીપ માનેએ ટ્રસ્ટને જણાવ્યું કે મુંબઈ, પુણે અને નાસિક સુધરાઈઓને તમારી અરજી ફરીથી મોકલી આપો. હાઈ કોર્ટે ઉપરોક્ત સુધરાઈઓને જણાવ્યું છે કે - કામચલાઉ પ્રતિબંધ અંગે 18મી અૉગસ્ટ સુધીમાં નિર્ણય લેવો જરૂરી છે.

હવે નવ દિવસ કતલખાનાં બંધ કરાવવાનો નિર્ણય 18મી અૉગસ્ટ સુધીમાં લેવાશે ખરો? પર્યુષણ પર્વ 21મી અૉગસ્ટથી શરૂ થાય છે. અગાઉ આ સુધરાઈઓએ ગયા વર્ષે પર્યુષણ દરમિયાન માત્ર એક દિવસ પ્રતિબંધનો આદેશ મુંબઈ સુધરાઈએ આપ્યો હતો. હવે નવ દિવસ બંધ માટે હાઈ કોર્ટમાં અરજી થઈ છે. મુંબઈ હાઈ કોર્ટ કહે છે કે મહારાષ્ટ્રમાં કતલખાનાં બંધ રાખવા માટે વર્ષમાં પંદર દિવસ નક્કી થયા છે. ઉપરાંત શાકાહારી-બિનશાકાહારી વસ્તીની ચોક્કસ ટકાવારી પણ નથી. આ સંજોગોમાં નીતિ બાબત વિષયમાં દરમિયાનગીરી કરવી કે નહીં તે નક્કી થયું નથી. જૈન ધર્મ અને પર્યુષણ પર્વમાં અહિંસાનો સિદ્ધાંત મૂળભૂત છે. અહિંસા પરમધર્મ ગણાય છે.

હાઈ કોર્ટે ત્રણે સુધરાઈઓને અઢારમી સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું છે પણ સાથોસાથ એવી ટિપ્પણી પણ કરી છે કે જો જૈન ટ્રસ્ટની માગણીનો સ્વીકાર થાય તો અન્ય સમાજના લોકો પણ ગણેશ ચતુર્થી અને નવરાત્રિમાં આવી રીતે પ્રતિબંધની માગણી કરશે. હાઈ કોર્ટના વડા ન્યાયમૂર્તિ આલોક આરાધેએ પ્રશ્ન કર્યો છે કે સુધરાઈ કયા કાનૂનના આધારે નવ દિવસ કતલખાનાં બંધ કરાવે? આ પ્રશ્ન સૂચક છે અને સુધરાઈઓ જૈન ટ્રસ્ટની અરજી સ્વીકારે નહીં એવી શક્યતા છે. જો અસ્વીકાર થાય તો જૈન ટ્રસ્ટ પાસે સુપ્રીમ કોર્ટ જવાનો એક જ વિકલ્પ રહે છે પણ આ માટે પૂરતો સમય છે?

દરમિયાન, ઉત્તર ભારતમાં શ્રાવણ મહિના દરમિયાન હરિદ્વારથી ગંગાજળ લાવીને ઠેરઠેર શિવમંદિરોમાં અભિષેક થાય છે. કાવડ યાત્રીઓની ગંગાજળ યાત્રાના માર્ગમાં આવતી હૉટેલોમાં માંસાહારની મનાઈ ફરમાવાઈ છે અને ખાતરી માટે હૉટેલના માલિકનું નામ બોર્ડમાં જાહેર કરવા જણાવાયું છે ત્યારે ઘણા હૉટેલ માલિકો અસલી નામ છુપાવીને હિન્દુ - નામો - વૈષ્ણવ ધાબા - પંડિતજી હૉટેલ વગેરે બોર્ડ મૂકે છે તેનો વિવાદ વધી રહ્યો છે.

આ વિરોધ અને અહિંસક માગણીનો વિરોધ કરવાને બદલે સમાજના અગ્રણીઓએ સમજદારીથી સમાધાન કરવું જોઈએ. ધાર્મિક લાગણીના વિષયમાં રાજકારણને પ્રવેશબંધી હોવી જોઈએ. સેક્યુલરવાદની પ્રામાણિકતા સિદ્ધ કરવી જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક