મુંબઈ-પુણે એક્પ્રેસવે પર અભૂતપૂર્વ અને જીવલેણ ટ્રાફિકજામ 35 કલાકે ખૂલ્યો, એ સાથે કેટલાક પ્રશ્નોનો પટારો પણ નવેસરથી ખૂલ્યો છે. મહારાષ્ટ્રના બે મહત્ત્વનાં શહેરોને જોડતો આ એક્પ્રેસવે અવારનવાર અકસ્માતનું સબબ બને છે, એ જોતાં એવી ટીકા થઈ રહી છે કે, આ માર્ગ માત્ર ટોલ વસૂલ કરવા માટે જ છે? તેના પર પ્રવાસ સુખદ, નિર્વિઘ્ન અને સલામત થાય એ જોવાની જવાબદારી કોની છે? 94.5 કિ.મી. લાંબા આ એક્પ્રેસવેના ઉપયોગ માટે રૂા. 320નો ટોલ ચૂકવવો પડે છે, આ દર દેશમાં સૌથી વધુ છે. આમ છતાં સુવિધાના નામે મોટું મીંડું છે અને 2025માં જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે 172 જેટલા અકસ્માત નોંધાયા હતા, જેમાંથી 54 જીવલેણ હતા અને તેમાં 61 લોકોનાં મૃત્યુ થયાં હતાં. 2024માં પણ 66 જીવલેણ એક્સિડન્ટમાં 66 જણે જીવ ગુમાવ્યા હતા. સૌથી વધુ ટોલ મોટરિસ્ટો ચૂકવે છે, આથી તેમને અહીં સારામાં સારી સુવિધા મળતી હશે, એવી ધારણા અહીં સદંતર ખોટી પડે છે. જ્વલનશીલ પ્રોપેલીન ગૅસ લઈ જતું ટેન્કર આ એક્પ્રેસવે પર ખંડાલા ઘાટના સેક્શન પાંચ પાસેની આડોશી ટનલમાં ઊથલી પડયું, જેના કારણે આગ લાગવાની કે ધડાકાની આશંકા હતી. આથી મુંબઈ તરફ જતાં વાહનોને પુણે તરફ ડાયવર્ટ કરાયાં અને મુંબઈની દિશામાં માત્ર એક લેન ચાલુ રખાઈ તેના કારણે ઐતિહાસિક ટ્રાફિકજામ સર્જાયો. ગૅસ લીકની સમસ્યા તો નિવારી લેવાઈ પણ લોકો ત્રણ કલાકમાં પૂરો થવો જોઈએ એ પ્રવાસમાં આઠથી 13 કલાક સુધી પાણી કે ખોરાક વિના રસ્તાની વચ્ચોવચ અટવાઈ ગયા હતા. આખો રસ્તો ક્લિયર કરવામાં તો 35 કલાક લાગ્યા.
એક્પ્રેસવે પર સર્વસામાન્ય અનુભવ એવો છે કે, ભારે અને મોટાં વાહનો ઘાટ વિસ્તારમાંની ત્રણેય લેન પર કબજો કરી લે છે અને તેના કારણે ટ્રાફિકજામ થતો હોય છે. આવું થતું રોકવા માટેની કોઈ વ્યવસ્થા કે દેખરેખ માટેની જોગવાઈ અહીં નથી. રાજ્યમાં કોઈ દુર્ઘટના ઘટે ત્યારે મંત્રાલયમાં વૉર રૂમ બનાવી, વિવિધ ખાતાં વચ્ચે સંકલન કરવાની સિસ્ટમ છેલ્લાં થોડાં વર્ષોમાં બનાવવામાં આવી છે. જોકે, એક્પ્રેસવે પરના ઐતિહાસિક ટ્રાફિકજામની ઘટનાની નોંધ કોઈ સરકારી નેતાએ લીધી નહોતી. મુખ્ય પ્રધાન કાર્યાલયે આ ઘટનાની તપાસ કરી અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે. જોકે, આ અહેવાલ આવ્યા પછી શું કાર્યવાહી થશે અને ભવિષ્યમાં આવું ન થાય એ શું પગલાં લેવામાં આવશે એની કોઈ ચર્ચા નથી. હવે, આ ઘટના પછી મુંબઈ-પુણે એક્પ્રેસવે પરના લોનાવલા ઘાટ સેક્શનમાં માસિંગ લિન્ક પ્રોજેક્ટ લાંબા સમયથી ઘોંચમાં પડયો છે. હવે સરકાર એ દિશામાં ધ્યાન આપે તો તાતિંગ ટોલ ચૂકવનારાઓની સમસ્યા કદાચ હળવી થવાની આશા રાખી શકાય. જોકે, ત્યાં સુધી જીવ અને સમય મુઠ્ઠીમાં લઈ આ એક્પ્રેસવે પર પ્રવાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.