• સોમવાર, 04 માર્ચ, 2024

ભારત રત્નમાં વિકસિત ભારતની છાપ  

જાન્યુઆરીના ઉત્તરાર્ધમાં જનનાયક કર્પૂરી ઠાકુર અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની ઘોષણા થઈ અને ફેબ્રુઆરીના પૂર્વાર્ધમાં કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથન, ભૂતપૂર્વ વડા પ્રધાન ચરણસિંહ અને માજી વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે. દેશ ચૂંટણીના આરે ઊભો છે, આથી સન્માનોને રાજકીય દૃષ્ટિકોણથી જોવામાં આવશે પણ એમાં પણ કોઈ સંદેહ નથી કે હસ્તીઓને ભારત રત્ન મળવાથી સ્વયં સન્માનનો મહિમા વધ્યો છે. એક વર્ષમાં પાંચ-પાંચ ભારત રત્નની જાહેરાતથી આશ્ચર્ય પામવાની જરૂર નથી કેમ કે 1999માં ચાર વિભૂતિઓને ભારત રત્ન આપવાની ઘોષણા થઈ હતી, ત્યારે અટલ બિહારી વાજપેયી દેશના વડા પ્રધાન હતા.

હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ભારત રત્ન સંબંધી નિર્ણયોને માટે યાદ કરવામાં આવશે. મોદી સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે અને સમકાલીન રાજનીતિના સ્વરૂપને પ્રભાવિત કરતા દેખાય છે. પસંદ કરવામાં આવેલી પાંચેય વિભૂતિઓએ દેશને દિશા પણ આપી છે. જોકે, હવે પાંચ હસ્તીઓને સર્વોચ્ચ સન્માન આપવાના નિર્ણય બાદ અન્ય કેટલાક લોકોને પુરસ્કાર અપાય એવી માગ ઊઠી છે, જે થવું સ્વાભાવિક છે. જોકે, મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે સન્માન પ્રદાન કરવાની બાબતમાં વિચારધારાને વચ્ચે નથી આવવા દેતા. આથી આશા વધી છે કે એવા અન્ય મહાનુભાવોને પણ સન્માન મળી શકે છે, જેઓ તેને લાયક છે.

સૌથી પહેલા કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનની વાત એક સમયે દેશમાં અનાજની અછત હતી, ત્યારે સ્વામીનાથન કૃષિ ઉત્પાદનમાં કાયાકલ્પ લઈ આવ્યા, જેને હરિત ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. 1960ના દશકામાં સ્વામીનાથનના યોગદાનની દેશે નોંધ લીધી હતી, પણ તેમને ભારત રત્ન આપવામાં વિલંબ થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 98 વર્ષની વયે તેઓએ દુનિયાથી વિદાય લઈ લીધી હતી. તેમને મળેલો ભારત રત્ન ભારતીય કૃષિ વિજ્ઞાન સાથે ભારતીય વિજ્ઞાનનું પણ સન્માન છે.

કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને દેશમાં સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા તથા અનાજ ઉત્પાદન વધારવા માટે સ્વામીનાથને અનેક મહત્ત્વના પ્રયાસ કર્યા હતા. સ્વામીનાથનને ભારત રત્ન આપવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ પણ ખુશ થઈ શકે છે. હાલ તો દક્ષિણ ભારતના ગઢના કાંગરા મજબૂત કરવા માટેનો સરકારનો નિર્ણય રાજકીય રૂપે કેટલો કારગર સાબિત થશે તે સમય બતાવશે.

ચૌધરી ચરણસિંહને ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે યાદ કરવામાં આવે છે. 1970ના દશકામાં ચૌધરી ચરણસિંહના મહત્ત્વને દેશે જાણ્યું હતું. તેમણે ખેડૂતોમાં કાયમ માટે વિશ્વાસ નિર્માણ કર્યો કે ખેડૂત પણ સરકાર બનાવી શકે છે અને વડા પ્રધાન બની શકે છે. એટલે 37 વર્ષ પછી પણ ખેડૂત ચૌધરી ચરણસિંહની આસપાસ ચકરાવો લે છે. દેશની 50 લોકસભા અને 160 વિધાનસભા બેઠકો પર ખેડૂત અને એનું પ્રતિનિધિત્વ કરનાર જાટ સમુદાયનો પ્રભાવ છે. ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાની ઘોષણા કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી નહીં લગભગ રાજ્યો માટે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે.

ચૌધરી ચરણસિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીએ પોતાના દાદાને ભારત રત્ન મળ્યો બાબતે ટિપ્પણ કરી છે-દિલ જીત લિયા. વડા પ્રધાન મોદીના વખાણ કરતાં તેમણે કહ્યું કે, વડા પ્રધાન દેશની ભાવનાઓને સમજે છે, સન્માન કરે છે. તેઓનાં વાણીવર્તન પછી હવે તેઓનો પક્ષ એનડીએને ટેકો આપે તો નવાઈ નહીં.

પશ્ચિમી ઉત્તર પ્રદેશ ખેડૂત પટ્ટો હોવા છતાં સાથે જાટલૅન્ડ છે. અહીંની 14 લોકસભા બેઠકો પર તેમનો દબદબો છે. ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાની ઘોષણા કરીને ભાજપે જાટ સમાજ અને ખેડૂતોને સાધ્યા છે. સૌથી વધુ પ્રભાવ ભારતીય કિસાન યુનિયનના આંદોલન પર માનવામાં આવે છે. કારણ કે તેઓના મુદ્દા પર લડનારો રાષ્ટ્રીય લોકદળ એનડીએમાં જોડાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે.

પી. વી. નરસિંહ રાવના અંતિમ દિવસોમાં તેમનો પક્ષ તેમનાથી દૂર થતો દેખાયો હતો. ગાંધી પરિવારની પસંદગી હોવાને કારણે તેમને પક્ષમાં સન્માન ક્યારે પણ મળ્યું નહીં જેમના તેઓ હકદાર હતા. આંધ્ર પ્રદેશ અને તેલંગણાના મોટા નેતા રહ્યા છે અને રાજનીતિક દૃષ્ટિએ ક્ષેત્ર-વિસ્તારમાં પગદંડો જમાવવા સંઘર્ષ કરી રહેલો ભાજપ તેના દ્વારા લોકોમાં સહાનુભૂતિ અને સમર્થન મેળવી શકે છે.

કેન્દ્ર સરકારના પગલાંથી ભાજપ તેલંગણા સાથે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પણ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. વર્ષોથી કૉંગ્રેસ પર નરસિંહ રાવની ઉપેક્ષા કરવાનો આક્ષેપ થતો રહે છે. હવે ભાજપ દાવો કરી શકે છે, જે મોટા નેતાને કૉંગ્રેસે સન્માન નહીં આપ્યું, તેમને ભાજપે સન્માનિત કર્યા છે. 1990ના દશકાની શરૂઆતમાં દેશના વડા પ્રધાન તરીકે તેમણે આર્થિક ઉદારીકરણના જે બીજ વાવ્યાં તે આજે વટવૃક્ષ બની ગયું છે.

કેન્દ્ર સરકારે બે રાજનીતિજ્ઞો અને એક કૃષિ વૈજ્ઞાનિકને ભારત રત્ન પ્રદાન કરવાની ઘોષણા કરી છે. તેમાંના એક ઉત્તરથી છે તો બીજા દક્ષિણથી. બન્ને રાજ્યના મુખ્ય પ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને પછી વડા પ્રધાનપદે રહેતા દેશની પ્રગતિમાં જે મહત્ત્વની ભૂમિકા ભજવી, તેને ક્યારે ભૂલી નહીં શકાય. એક પોતાની નીતિઓથી કૃષિ ક્ષેત્રમાં સુધાર કર્યો તો બીજાએ અર્થતંત્રને નવી સંજીવની પ્રદાન કરી. ઉપરાંત, અન્ન સંકટથી ઝઝૂમી રહેલા દેશમાં નવો પ્રાણ ફૂંક્યો, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે મહત્ત્વની ભલામણ કરનારા દૂરદર્શી વૈજ્ઞાનિકનું યોગદાન સદૈવ યાદ રાખવામાં આવશે.