• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

`મહાભારત'ના શકુનિમામા-ગુફી પેન્ટલનું અવસાન

બી.આર. ચોપરાની મહાભારત સિરિયલમાં શકુનિમામાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થનારા અભિનેતા સરબજિત ગુફી પેન્ટલનું અવસાન થયું છે. 78 વર્ષના ગુફી છેલ્લા થોડા દિવસોથી હૉસ્પિટલમાં હતા. તેઓ હૃદય અને કિડીનીની બીમારી સામનો જંગ છેવટે હારી ગયા. તબિયત બગડી ત્યારે તેઓ ફરીદાબાદમાં હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા. 

મહાભારતમાં અર્જુનની ભૂમિકા ભજવનાર ફિરોઝ ખાને જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસ ગુફી બેભાન હતા. તેમના થકી જ મને અર્જુનની ભૂમિકા મળી હતી. તેમના કહેવાથી મેં અર્જુનના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું. આ માટે હું આજીવન તેમનો આભારી રહીશ.

ગુફીએ કુલ દસ ફિલ્મો અને પંદરથી અધિક સિરિયલમાં અભિનય કર્યો હતો. 1975માં ફિલ્મ રફુચક્કરથી બૉલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ કેટલીક ફિલ્મોમાં કૉમેડી ભૂમિકા ભજવી હતી અને ટીવી સિરિયલોમાં પણ અનેક ભૂમિકા ભજવી હતી. જોકે, તેમને ખરી ઓળખ તો શકુનિમામાના પાત્રથી મળી હતી. છેલ્લે સ્ટાર ભારતની સિરિયલ જય કન્હૈયા લાલ કીમાં જોવા મળ્યા હતા. 

અભિનયની દુનિયામાં પ્રવેશતાં પહેલાં ગુફી સૈન્યમાં હતા. 1962માં ભારત અને ચીનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે હું એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. કૉલેજમાં આર્મીમાં ભરતી ચાલતી હતી એટલે હું જોડાયો. પ્રથમ પોસ્ટિંગ ચીન સરહદ પર આર્મી આર્ટિલરીમાં હતું. 

સરહદ પર મનોરંજન માટે રામલીલા કરતા અને તેમાં હું સીતાની ભૂમિકા ભજવતો હતો. મને અભિનયનો શોખ હતો અને આમાં તાલીમ મળી ગઈ. મોડેલિંગ અને એક્ટિંગ બાદ કેટલીક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ પણ કર્યું. મહાભારતમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરવાની તક મળી. શકુનિના પાત્ર માટે ત્રણ લોકોને શોર્ટ લિસ્ટ કર્યા હતા. પટકથાલેખક રાહી માસુમ રઝાની નજર તેમના પર પડી અને તેમને શકુનિની ભૂમિકા ભજવવાનું કહ્યું હતું. મહાભારતના અન્ય કલાકારોની જેટલી જ પ્રશંસા શકુનિમામાના પાત્રની થઈ હતી.