• સોમવાર, 04 માર્ચ, 2024

એવૉર્ડ વિનિંગ `ફેઅરી ફૉક' પહેલી માર્ચે રિલીઝ થશે  

સિડની ફિલ્મ ફેસ્ટિવલ, શિકાગો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મામી (મુંબઈ) અને મેલબર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી રસિકા દુગ્ગલ સ્ટારર ફિચર ફિલ્મ `ફેઅરી ફૉક'ને પહેલી માર્ચે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય મેકર્સે લીધો છે. કરણ ગૌર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ મુંબઈ, દિલ્હી, ગોવા, કોલકાતા અને બેંગ્લોર જેવાં શહેરોમાં મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. નિર્માતાએ ફિલ્મનું નવું ટ્રેલર અને પોસ્ટર લૉન્ચ કર્યું છે. `ફેઅરી ફૉક'ની કથા સંબંધોની જટિલતાને દર્શાવશે જે હકીકત અને કલ્પના વચ્ચેના અંતરને સ્પષ્ટ કરશે. મહત્ત્વની વાત પણ છે કે મિર્ઝાપુર ફિલ્મથી પ્રખ્યાત બનેલી અભિનેત્રી રસિકા દુગ્ગલ ફિલ્મમાં પહેલી વાર તેના પતિ અને અભિનેતા મુકુલ ચઢ્ઢા સાથે ક્રીન શૅર કરતી જોવા મળશે. ફેઅરી ફૉકને આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રશંસા મળી છે તેવી પ્રશંસા અને પ્રેમ ભારતીય દર્શકો તરફથી મળે તેવી અપેક્ષા છે, એવું કરણ ગૌરે જણાવ્યું હતું. 

મારા પતિ સાથે પહેલી વાર મેં ક્રીન શૅર કરી છે અને કથા પણ બહુ અનોખી હોવાથી દર્શકો અમારી ફિલ્મને કેવો પ્રતિસાદ આપે છે તે જાણવા આતુર છું. સામાન્યપણે સેટ પર પ્રોફેશનલ વાતાવરણ હોય છે, પરંતુ `ફેઅરી ફૉક' ફિલ્મના શૂટિંગ વખતે ઘર જેવું વાતાવરણ બની ગયું હતું અને અમે પાત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ક્રિપ્ટ વગર સીન શૂટ કર્યાં હતાં. તેથી ફિલ્મ મારા અને મુકુલના કરિયર માટે બહુ ખાસ છે.