• બુધવાર, 22 મે, 2024

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માવઠાં અને કરાનો પ્રકોપ  

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ

ગુજરાતના 229 તાલુકામાં એકથી ચાર ઇંચ સુધી વરસાદ

કપાસ, જીરું, ઘઉં, ચણાનાં વાવેતરમાં નુકસાન

રાજકોટ, તા. 26 : ગુજરાતમાં હાલ કઈ ઋતુ ચાલી રહી છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. શિયાળો છે કે ચોમાસું એવો સવાલ દરેક ગુજરાતીના મનમાં ઉઠી રહ્યો છે, કારણ કે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના મોટાભાગના જિલ્લાઓના 229 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનનગર જિલ્લાના ચુડામાં દિવસ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરત શહેર, બનાસકાંઠાના ભાભર, પાટણના રાધનપુર, સાંતલપુર, ભરૂચના અંકલેશ્વર, સુરતના ઉમરપાડા અને અમરેલીમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 2થી 3.5 ઇંચ સુધીનો વરસાદ થયો છે. કરા અને ભારે પવન સાથે વરસેલા વરસદાનાં કારણે ખેતીને મોટાપાયે નુકશાન થયું છે તેમજ વીજળી વેરણ બનતા 11થી વધુના લોકોએ જીવ ગુમાવ્યો છે તેમજ અનેક પશુઓ પણ મોતને ભેટયાં છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ત્યારે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારે રાજકોટ-અમદાવાદ હાઇ વે પર કરાવૃષ્ટિ થતાં શિમલા-મનાલી જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. રાજકોટ અને મોરબીમાં કરા સાથે વરસાદ આવતા માલિયાસણ પાસે આવેલા બ્રિજ ઉપર બરફની ચાદરથી ઢંકાઈ ગયો હતો અને રોડ ઉપર બરફ જામી ગયો હતો. જેને પગલે સ્થાનિકો પ્રાકૃતિક દૃશ્યો નિહાળવા બ્રિજ પર પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની શાન સમાન રાજકોટ જામનગર રોડ હાઇ વે પર આવેલું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે અનેક સ્થળે વરસાદ પડતા ખેતરમાં ઉભેલા રવીપાકને મોટું નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે 

મોરબી શહેર અને જિલ્લામાં આજે સવારથી શરૂ થયેલા તોફાની પવન અને બરફના કરા સાથે કમોસમી વરસાદને કારણે સિરામિક ફેક્ટરીઓમાં કરોડોનું નુકસાન થયાની વિગતો સામે આવી છે. 

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 43 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ પોણા 3 ઇંચ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં નોંધાયો છે. આ સિવાય સુરત શહેરમાં સવા 3 ઇંચ તેમજ બનાસકાંઠાના ભાભર અને પાટણ જિલ્લાના રાધનપુરમાં અઢી ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે જ્યારે પાટણ જિલ્લાના સાંતલપુર અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સવા 2 ઇંચ વરસાદ વરસ્યો છે.  

જો કે, જાપાનના પ્રવાસે ગયેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે ટેલિફોનિક વાત કરી તલસ્પર્શી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી શ્રી રાઘવજીભાઈ સાથે સતત સંપર્કમાં છે અને સ્થિતિની જાણકારી મેળવતા રહે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક