• બુધવાર, 29 નવેમ્બર, 2023

સાડી-ડ્રેસના સ્ટોન ચોંટાડવાના મશીનથી ઉત્પાદનમાં વધારો  

અગાઉ હાથથી થતી કામગીરી મશીનથી થતાં મહિલાઓને રાહત

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 20 : કાપડઉદ્યોગમાં મોટી સંખ્યામાં મહિલાઓ દોરા-ધાગા કટીંગના કામ કરવાથી લઈને સાડી-ડ્રેસ, ચણિયા-ચોળી સહિતમાં કરવામાં આવતા મૂલ્યવર્ધન જેમ કે સ્ટોન, ટીંકી, મોતી ચોંટાડવાના કામ કરી રોજગારી મેળવે છે. અગાઉ મહિલાઓને સ્ટોન ચોંટાડવાના કામમાં સમય અને શક્તિનો વધુ ઉપયોગ કરવો પડતો હતો. હવે સ્ટોન ચોંટાડવાના મશીનો બજારમાં આવતાં મહિલાઓના કામમાં સરળતા આવી છે સાથે ઉત્પાદકતા પણ વધી છે. આ તરફ તહેવારોમાં ઓર્ડર વધતાં જોબવર્કના કામમાં 30 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. બજારમાં આવેલા સ્ટોન ચોંટાડવાના મશીનોની કિંમત અંદાજે કપ્રેશર વિનાના નાના મશીન રૂા. 12થી 15 હજારમાં મળી રહે છે તો કપ્રેશરવાળા સેમી ઓટોમેટીક મશીનની કિંમત રૂા. 75હજારની આસપાસ છે. હજુ જો કે શરૂઆતી તબક્કામાં આ મશીનો આવ્યા છે. 80થી 85 ટકા કામ પરંપરાગત એક-એક ટીકી-સ્ટોન ચોંટાડી કરવામાં આવે છે. ડભોલી વિસ્તારના દુર્ગાબેન ધાર્મિક કે જેઓ મહિલાઓને સ્ટોન-ટીકી ચોંટાડવાનું જોબવર્ક કરાવે છે તેઓ જણાવે છે કે, હાલમાં સ્ટોન ચોંટાડવાના કામમાં ગત વર્ષ કરતા વધારો જોવા મળી રહ્યો છે. સાડીમાં સ્ટોન ચોંટાડવાના કામની વધુ ડીમાન્ડ છે. મહિલાઓને સાડીની ડિઝાઇન પ્રમાણે સ્ટોન ચોંટાડવાના રૂા.7 થી રૂા.16 સુધી વળતર ચૂકવવામાં આવે છે. દિવસભરમાં એક મહિલા રૂા. 300 થી 400 સુધીનુ કામ કરી શકે છે.  

તેઓ વધુમાં ઉમેરે છે કે, અગાઉ મહિલાઓ માટે એક સાથે મોટી સંખ્યામાં સ્ટોન ચોંટાડવાનું કામ અઘરું બની જતું હતું. અમારે પણ એકથી વધુ કારીગરો પાસે કામ કરાવવું પડતું હતું. બજારમાં એક સાથે મોટી સંખ્યામાં સ્ટોન ચોંટાડવા માટેના મશીનો આવતા કામ પણ સરળ બન્યુ અને વધુ કામ લઈ શકાય છે. મશીનનો પર સ્ટોન ચોંટાડવા માટે મહિલાઓને પંચિગ પર રૂપિયા આપવામાં આવે છે. એટલે કે તૈયાર ડિઝાઇનોવાળા સ્ટોનના પેપર બનાવેલા આવે છે. જેમાં મશીન પર ડ્રેસ મુકી સ્ટોનનુ પેપર મુકવાથી ડ્રેસમાં સ્ટોન ચોંટી જતા હોઇ છે. મશીન પર ડ્રેસમાં એકથી બે જ પંચિગ આવતા હોય છે. તેથી તેના એક પંચિગના રૂા.1 થી રૂા.3 આપવામાં આવે છે સાડીમાં તૈયાર ડિઝાઇન વાળા બુટ્ટા સ્ટોનના પેપર લગાવેલા હોય છે. જેમાં સાડી મશીન પર મુકી બુટ્ટા ચોંટાડવામાં આવતા હોય છે. સાડીમાં આઠથી દસ પંચિગ આવતા હોવાથી કારીગરોને તેના રૂા. 7 થી લઈને રૂા. 16 સુધી મળી રહે છે.  

જોબવર્ક કરાવનાર ભાવેશભાઈ પટેલ જણાવે છે કે, તહેવાર નજીક આવતા હાલમાં સ્ટોન ચોંટાડવાના કામમાં 30 ટકા જેટલો વધારો થયો છે. શહેરમાં 500થી વધુ વેપારીઓ સ્ટોન ટીકી ચોટાડવાનાં કામકાજ સાથે સંકળાયેલા છે. ; સૌથી વધુ સાડી, ડ્રેસમાં સ્ટોન ચોંટાડવાનું કામ ચાલે છે. સાડી અને ડ્રેસની ડિઝાઇન મુજબ ભાવ આપવામાં આવે છે. કાચામાલ જેમ કે સ્ટોન, ટીકીના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. આમ છતાં જોબવર્કનું કામ સારું ચાલ્યું છે. હજુ પાંચ-છ દિવસ કામકાજ રહેશે ત્યારબાદ સપ્તાહનું દિવાળી વેકેશન રહેશે.  

સ્ટોન ચોંટાડવાનું જોબ વર્ક કરતા ડભોલી વિસ્તારના રોશનીબેન વાનુ જણાવે છે કે, અમે ઘણાં વર્ષોથી આ કામ કરી ઘરના નાના-મોટા ખર્ચાઓ ઉપાડી લઈએ છીએ. અમને વેપારીઓ દ્વારા પ્રતિ સાડીમાં રૂા. 7 થી 20ના ભાવે સ્ટોન ચોંટાડવાનું કામ મળે છે. દિવસભર 25થી 30 સાડીઓ પર સ્ટોન ચોટાડવાનુ કામ થઈ જાય છે. અંદાજે રૂા. 300થી 350 જેટલુ કામ થાય છે.  

શહેરના વરાછા વિસ્તારમાં સ્ટોન-ટીકી ચોંટાડવાનું કામ કરતા મનિષાબેન પટેલ કહે છે કે, અમને ડ્રેસની ડિઝાઇન પ્રમાણે રૂા.2 થી 3 મજૂરી મળી રહે છે. આખા દિવસના 100 થી 120 ડ્રેસમાં અમે સ્ટોન ચોંટાડીએ છીએ. હાલમાં ડ્રેસ કરતાં સાડીમાં સ્ટોન ચોંટાડવાનુ કામ વધારે આવે છે. અમે દિવસના રૂા. 400ની આસપાસનું કામ કરી લઈએ છીએ.