• સોમવાર, 04 માર્ચ, 2024

અટકી પડયું પ્રધાનમંડળનું વિસ્તરણ  

અજિત પવારે માગ્યું નાણાં મંત્રાલય : ખાતા મેળવવા રસાકસી 

મુંબઈ, તા. 11 :  મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં એનસીપી નેતા અજિત પવાર અને પક્ષના વિધાનસભ્યોનું એક નવ પ્રધાનોનું જૂથ સામેલ થયા બાદ નવ દિવસ થયા છતાં રાજ્ય પ્રધાનમંડળનું વિસ્તરણ વિલંબમાં મૂકાયું છે. 

રાજ્યમાં સત્તારૂઢ શિવસેના અને ભાજપનાં સૂત્રો અનુસાર આ વિસ્તરણ વિભાગોની વહેંચણીને કારણે અટકી ગયું છે કારણ કે ઉપલબ્ધ પદોની તુલનામાં પ્રધાનપદના દાવેદાર વધારે છે. સૂત્રો અનુસાર આ પ્રક્રિયા 17મી જુલાઇ પહેલાં થવાની આશા છે. 

પ્રધાનમંડળમાં કોણ કોણ સામેલ છે, આ અંગે સેના નેતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના પક્ષના વિધાનસભ્યો સાથે એકબીજા સાથે અનેક બેઠકો કરી છે. દરમિયાન સોમવારે મોડી રાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની બેઠક યોજાઇ હતી જેમાં પ્રધાનમંડળના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી. જેમાં અજિત પવારે નાણાં મંત્રાલય માગતાં આ વાત અટકી ગઇ હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાઇ રહ્યંy છે. 

આગામી ત્રણ દિવસોમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની શકયતા 

ભાજપના વરિષ્ઠ નેતા અનુસાર આગામી ત્રણ દિવસોમાં મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની શકયતા છે. જેમાં ભાજપ અને શિવસેનાને પાંચ-પાંચ પ્રધાન પદ મળશે. હાલમાં રાજ્ય પ્રધાનમંડળમાં 29 પ્રધાનો છે અને મહત્તમ સંખ્યા 43 થઇ શકે. ભાજપ નેતાએ જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેનાને વહેંચણી બાદ ચાર કેબિનેટ સ્થાન બચશે જે એનસીપીના ફાળે જશે. હવે જે પણ સામેલ થશે તેને કેબિનેટ પ્રધાન તરીકે લેવાશે કોઇપણ રાજ્ય પ્રધાન નહીં હોય. 

ખાતાઓની વહેંચણીનો મુદ્દો મુખ્યત્વે એનસીપી સામેલ થયા બાદ વધારે ગૂંચવાયો છે. એનસીપીના બળવાખોર નેતાઓ માટે અજિત પવારે સરકાર પાસે ગૃહ, નાણાં, પર્યટન, ઉત્પાદન, સામાજિક ન્યાય, ગ્રામીણ વિકાસ જેવાં મુખ્ય મંત્રાલયો 

માગ્યાં છે. 

ભાજપ નેતાએ સ્પષ્ટતા કરી હતી કે અજિત પવારના જૂથને નાણાં, ગૃહ, શહેરી વિકાસ અને સિંચાઇ ઉપરાંત કોઇપણ ખાતું મળી શકે છે પરંતુ અંતિમ નિર્ણય સરકારનો જ રહેશે. શિંદે જૂથના વિધાનસભ્યોને ડર છે કે તેમને પ્રધાનમંડળમાં સ્થાન નહીં મળે, કારણ કે વહેંચણી કરાયેલા વિભાગોની સંખ્યા ઓછી છે અને આશાઓ વધી ગઇ છે. 

વિધાનસભ્ય સંજય શિરસાટ, ભરત ગોગાવલે, પ્રકાશ સુર્વેને પ્રધાનપદનો ઇંતેજાર છે. બચ્ચુ કડૂ જેવા અપક્ષ નેતાને કેબિનેટમાં સામેલ કરવાની આશા છે. આશિષ શેલાર, માધુરી મિસાલ, સંજય કુટે જેવા ભાજપ વિધાનસભ્યો કેબિનેટમાં સામેલ થવાની આશા છે. 

સોમવારે મોડી રાતે દોઢ કલાક ચર્ચા 

સોમવારે લગભગ દોઢ કલાક મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોમાં દોઢ કલાક પ્રધાનમંડળના વિસ્તરણ બાબતે ચર્ચા ચાલી હતી. નવા પ્રધાનોના પોર્ટફોલિયોના આધારે વર્ષા બંગલા ઉપર ત્રણેય નેતાઓએ મનોમંથન કર્યુ હતું. પરંતુ આ ચર્ચાનું કોઇ પરિણામ આવ્યું નથી. અજિત દાદા પવારે પોતાને નાણાં મંત્રાલય જોઇએ છે એ વાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પસંદ પડી નથી. પરંતુ ફડણવીસે શિંદેને મનાવી લીધા છે અને અજિત પવારને રાજસ્વ વિભાગની જવાબદારી મળે એવી પ્રબળ શકયતા છે.

શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સૂત્રધાર બન્યા ભાઇ શ્રીનિવાસ!

મહારાષ્ટ્રના રાજકારણમાં કયારે શું થઇ જાય તે કોઇને ખબર નથી. થોડા દિવસો પહેલા જ કાકા શરદ પવારથી છૂટા પડેલા ભત્રીજા અજિત પવારે કાકા સાથે મંગળવારે સવારે ટેલિફોન ઉપર ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે.  મંગળવારે સવારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પોતાના ભાઇ શ્રીનિવાસ પવારની મુલાકાત કરી હતી ત્યારબાદ શ્રીનિવાસનો પુત્ર યુગેન્દ્ર શરદ પવારના કાર્યાલય પહોંચ્યો હતો. શું કાકા-ભત્રીજા ફરી એક થશે? કે આ માત્ર પારિવારિક મુલાકાત હતી એ વાતે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. 

મુંબઈમાં એનસીપીના બંને જૂથ વચ્ચે મંગળવારે મહત્ત્વનો ઘટનાક્રમ થયો હતો. પહેલા અજિત પવાર પોતાના ભાઇ શ્રીનિવાસ પવારના ઘરે પહોંચ્યો હતો ત્યારબાદ શ્રીનિવાસનો પુત્ર યુગેન્દ્ર શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. જાણકારી અનુસાર યુગેન્દ્ર અડધો કલાક સુધી શરદ પવાર અને સુપ્રિયા સુળે સાથે તેમના કાર્યાલયમાં ચર્ચા કરી રહ્યા હતા. 

આ મુલાકાત બાદ યુગેન્દ્ર પવાર પોતાના ઘરે ગયા હતા જ્યાં તેના પિતા શ્રીનિવાસ અને કાકા અજિત પવાર હાજર હતા. ત્રણેય વચ્ચે બેઠક થઇ હતી ત્યારબાદ અજિત પવાર પોતાના બંગલા દેવગિરીમાં પહોંચ્યા હતા. મુલાકાતો બાદ એમાં શું ચર્ચા થઇ તેની જાણકારી કોઇની પાસે નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં શરદ પવાર અને અજિત પવાર ફરી એક થઇ જશે એ વાતે જોર પકડયું છે.