મુંબઈ, તા. 18 : મંત્રાલયના 32 વિભાગોમાંથી ફક્ત છ વિભાગે ફાઈલો રજૂ કરવા માટે એકસમાન પદ્ધતિ સ્વીકારી છે. બાકીના વિભાગોએ જનરલ ઍડમિનિસ્ટ્રેશન વિભાગના આદેશને ગણકાર્યો નથી. આથી મંત્રાલયમાં ઈ-અૉફિસ સિસ્ટમ અમલમાં મૂકવામાં અવરોધ નિર્માણ થઈ રહ્યો હોવાનું જનરલ ઍડમિનિસ્ટ્રેશન વિભાગના અધિકારીઓનું કહેવું છે.
મંત્રાલયનું રોજિંદું કામકાજ કઈ રીતે થવું જોઇએ એ માટે તમામ અધિકારી અને કર્મચારી માટે 1994માં મૅન્યુઅલ અૉફ અૉફિસ પ્રોસિજર પુસ્તિકા તૈયાર કરવામાં આવી હતી. એ મુજબ મંત્રાલયનું કામકાજ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2022માં કેન્દ્રીય સચિવાલય કાર્યાલયીન કાર્યપદ્ધતિ નિયમ પુસ્તિકા તૈયાર કરવામાં આવી. આ પુસ્તિકાના આધારે વહીવટી તંત્રમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે પદરચના નિયોજન, જનરલ ઍડમિનિસ્ટેશન વિભાગ, જળસંપદા, નાણાં વિભાગ, સમાજ કલ્યાણ અને આદિવાસી આ છ વિભાગ દ્વારા ઈ-ફાઈલ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. બાકીના વિભાગોએ હજી આ પદ્ધતિ અપનાવી નથી.