• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

આજથી રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ સમિતિની બેઠક   

વ્યાજદર ન બદલવાનો વરતારો 

મુંબઈ, તા. 5 : ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ની આર્થિક નીતિ સમિતિની બેઠક આવતીકાલ મંગળવારથી શરૂ થઈ રહી છે. આઠમી તારીખે સમિતિના ફેંસલાનું એલાન કરાશે. આ બેઠકના અંતે વ્યાજદરોમાં બદલાવ નહીં કરાય તેવું અનુમાન છે. રેપો દર 6.50 પર જ અપરિવર્તીત રહી શકે છે. મે-2022થી ફેબ્રુઆરી-2023 સુધી રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજના દરોમાં 2.50 ટકાનો વધારો કરી દીધો છે. આરબીઆઈની આર્થિક નીતિ સમિતિ દ્વારા દર બે મહિને બેઠક યોજાય છે.

ઉપરાંત 2024ના નાણાકીય વર્ષ માટેના મોંઘવારીના અનુમાનને ઘટાડી પણ શકાય છે, તેવો વર્તારો મળી રહ્યો છે.

વિતેલી બેઠકમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, અર્થતંત્રમાં જારી તેજીને ટકાવી રાખવા માટે અમે નીતિ દરોમાં બદલાવ નથી કર્યો, પરંતુ જરૂરત પડશે ત્યારે સ્થિતિ મુજબ પગલાં લેવાશે.

જાણકારોના મતે અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત દેખાઈ રહ્યા છે, પરંતુ ભારતીય રિઝર્વ બેન્ક મોંઘવારીને કાબૂમાં રાખવા માગે છે. આરબીઆઈનું લક્ષ્ય વિકાસના દર અને મોંઘવારીના દર વચ્ચે સમતુલન બનાવવાનું છે. નિયમિત ચોમાસું વર્ષ મોંઘવારી ઘટાડવામાં મદદ કરશે, જેનાથી વ્યાજદરો ઘટી શકશે તેવી આશા છે.