• સોમવાર, 04 માર્ચ, 2024

મહારાષ્ટ્રમાં વરસાદથી ખેતીયુક્ત જમીન તેમ જ પાકને ભારે નુકસાન 

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રમાં આ વર્ષે પર્યાપ્ત વરસાદ થયો નથી, જેને કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત છે. નવેમ્બરમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદ, વીજળી અને કરા પડવાથી ખેડૂતોનાં ખેતરો તેમ જ પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ અનુસાર શુક્રવા સુધી મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ રહેશે. વિદર્ભના મોટા ભાગના જિલ્લાઓમાં કરા અને વીજળીના ગડગડાટ તેમ જ ભારે પવન સાથે થયેલા વરસાદથી ચણા, સોયાબીન, કપાસ, ઘઉં સહિત અનેક પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. 

નાગપુરનાં 890 ગામોના 67,866 ખેડૂતો કમોસમી વરસાદથી પ્રભાવિત થયા છે. જિલ્લા પ્રશાસને 32,832 હેક્ટર પાકને નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. 10,408 હેક્ટરમાં કાંદા અને 6729 હેક્ટરમાંના ચોખાના પાકને નુકસાન થયું છે. 

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર રવિવારે અડધી રાતથી અમરાવતી સહિત અકોલા, બુલઢાણા, વાશિમ, યવતમાળ જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. 

હવામાન વિભાગ અનુસાર માલદીવથી ઉત્તરી મહારાષ્ટ્ર સુધી હવાના નીચા દબાણનો એક ટ્રફ તૈયાર થયો છે. જેને પગલે પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમ તેમ જ પશ્ચિમ ભારત પ્રભાવિત થશે. બંગાળના ઉપસાગર અને પશ્ચિમી છેડે ગરમ હવાની શક્યતા વ્યક્ત કરાઇ હતી. આ હવાના નીચલા દબાણના પટ્ટાને કારણે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવામાં 27મી નવેમ્બર સુધી અને મરાઠવાડામાં 29મી નવેમ્બર સુધી અનેક ઠેકાણે વીજળીના ગડગડાટ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.